ફર્સ્ટ ડે, ફ્લૉપ શો

02 March, 2021 08:22 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ફર્સ્ટ ડે, ફ્લૉપ શો

ગઈ કાલે સાયનમાં કે. જે. સોમૈયા કૉલેજ, હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કોરોનાની રસી લેવા બેસેલા સિનિયર સિટિઝનો. તસવીર ઃ સમીર માર્કન્ડે.

કોરોનાવાઇરસ સામે રક્ષણ મેળવવા માટે પહેલા તબક્કામાં ફ્રન્ટલાઇન પર કામ કરનારા લોકોને કોરોનાની રસી અપાયા બાદ ગઈ કાલથી મુંબઈ સહિત દેશભરની અનેક પ્રાઇવેટ હૉસ્પિટલોમાં સિનિયર સિટિઝનોને રસી આપવાની જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે. જોકે સરકારે મોટા ઉપાડે હૉસ્પિટલનું લિસ્ટ જાહેર કરી દીધું છે, પરંતુ આઘાતજનક વાત એ છે કે કેન્દ્ર કે રાજ્ય સરકારે જે હૉસ્પિટલોની કોરોનાની રસી આપવા માટે પસંદગી કરી છે એમને હજી સુધી રસીકરણ વિશે કોઈ જ સૂચના કે માહિતી નથી આપી. આથી સિનિયર સિટિઝનોને રાહત થવાને બદલે તેઓ પરેશાન થઈ ગયા છે. પ્રાઇવેટ હૉસ્પિટલોમાં રજિસ્ટ્રેશન કર્યા વિના કોઈને રસી નહીં મુકાય, પણ રજિસ્ટ્રેશન કરવા માટેની કો-વિન પોર્ટલનું સર્વર ડાઉન થવાથી લોકો રસી મુકાવવા માટે નામ નોંધાવી ન શક્યા હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકા કહે છે કે ચારથી પાંચ દિવસમાં સિનિયર સિટિઝનોને રસી આપવા માટેની તૈયારીઓ પૂરી જશે. આ સિવાય સરકારી સેન્ટરો પર પણ સવારથી ભીડ જોવા મળી હતી. દરેક સેન્ટર પર સિનિયર સિટિઝનોએ લાંબા સમય સુધી રાહ જોઈને બેસી રહેવું પડ્યું હતું તેમ જ ઘણા લોકોએ વૅક્સિન લીધા વગર જ ઘરે પાછા ફરવું પડ્યું હતું.

લગભગ એક વર્ષથી કોરોનાના ડર હેઠળ જીવી રહેલા અસંખ્ય સિનિયર સિટિઝનોએ સરકારની જાહેરાતથી રાહત અનુભવી છે. જોકે સરકારી હૉસ્પિટલો કે હેલ્થ સેન્ટરને બાદ કરતાં પ્રાઇવેટ હૉસ્પિટલોમાં રસી મુકાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી કરવામાં આવ્યું છે. આથી તેમણે અનેક વખત નામ નોંધાવવાના પ્રયાસ કર્યા બાદ પણ સફળતા ન મળતાં આમાંના કેટલાક લોકોએ પોતાના વિસ્તારમાં રસીકરણ માટેના લિસ્ટમાં સામેલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. જોકે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં રસી મૂકવા માટે સરકારે કોઈ નિર્દેશ કે સૂચના ન આપી હોવાનું તેમને કહેવામાં આવ્યું હતું. આથી સિનિયર સિટિઝનો નિરાશ થયા હતા.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલને પ્રાઇવેટ હૉસ્પિટલોમાં શા માટે પહેલા દિવસે રસી મૂકવાની શરૂઆત નથી થઈ શકી એ વિશે પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિનિયર સિટિઝનોને પ્રાઇવેટ હૉસ્પિટલમાં રસી મૂકવાની સરકારે મંજૂરી આપી છે, પરંતુ એ માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. આ માટેનું કો-વિન ઍપનું સર્વર કામ નહોતું કરતું એટલે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં પહેલા દિવસે રસી નહોતી મૂકી શકાઈ. ઍપની સાથે પ્રાઇવેટ હૉસ્પિટલોને રસી મૂકવા માટેની કેવી અને કેટલી વ્યવસ્થા કરવાની છે એની સૂચના આપવાની શરૂઆત કરાઈ છે એટલે એકથી બે દિવસમાં રસી મૂકવાની શરૂઆત થઈ જશે.’

મુંબઈમાં એક મહિના કરતાં વધારે સમયથી વિવિધ સરકારી સેન્ટરોમાં ફ્રન્ટલાઇન પર કામ કરતા લોકોને રસી મુકાઈ રહી છે. આ સેન્ટરોમાં ગઈ કાલથી સિનિયર સિટિઝનોને રસી મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી. બીકેસી, મુલુંડ અને નેસ્કો જમ્બો કોવિડ સેન્ટર અને ઘાટકોપરની એચ. જે. દોશી હિન્દુ સભા હૉસ્પિટલમાં ગઈ કાલે સવારે ૯ વાગ્યાથી મોટી સંખ્યામાં સિનિયર સિટિઝનો રસી મુકાવવા માટે પહોંચ્યા હતા. તેમણે કો-વિન પોર્ટલ પર પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું હોવા છતાં તેમનું નામ રસી મુકાવનારાઓના લિસ્ટમાં નહોતું આવ્યું એટલે તેમણે કલાકો સુધી રાહ જોયા બાદ પણ નિરાશ થઈને ઘરે જવું પડ્યું હતું. તેમને બીજા દિવસે આવવાનું કહેવાયું હતું. કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કો-વિન ઍપનું સર્વર ડાઉન થવા બાબતે ખુલાસો કરાયો હતો કે ઍપ માત્ર ઍડ્‌મિનિસ્ટ્રેટર માટે છે, જ્યારે રસી મુકાવવા રજિસ્ટ્રેશન કો-વિન પોર્ટલ પરથી કરવાનું છે. બપોર બાદ સર્વર ચાલુ થયું હતું, પરંતુ એ ડચકાં ખાતું હોવાથી ખૂબ જ સ્લો ચાલતું હોવાની ફરિયાદ લોકોએ કરી હતી.
મીરા રોડમાં આવેલી ભક્તિવેદાંત અને થુંગા હૉસ્પિટલનું નામ પણ લિસ્ટમાં છે. ‘મિડ-ડે’એ આ બન્ને હૉસ્પિટલમાં કેટલા લોકોએ રસી મૂકવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને રસી મૂક્યા બાદ તેમની પ્રતિક્રિયા જાણવા મુલાકાત લીધી હતી. જોકે બન્ને હૉસ્પિટલ દ્વારા લોકોને જણાવાયું હતું કે તેમનાં નામ લિસ્ટમાં જરૂર છે, પરંતુ રસી મૂકવા માટેની જુદી વ્યવસ્થાથી માંડીને પ્રક્રિયા બાબતની કોઈ સૂચના કે નિર્દેશ હજી સુધી તેમને કેન્દ્ર કે રાજ્ય સરકાર અથવા સ્થાનિક પાલિકા દ્વારા મળ્યાં નથી. ચારથી પાંચ દિવસમાં રસીકરણ માટેની વ્યવસ્થા થયા બાદ જ રસી મૂકવાની શરૂઆત થઈ શકશે.

સેલ્ફ-રજિસ્ટ્રેશન

સિનિયર સિટિઝનોએ કોવિડ-૧૯ રસી મુકાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સરળતાથી પોતાનું નામ નોંધાવવા માટે તેઓ આ લિન્ક પર જઈને પોતાની તથા પોતાના વિસ્તારની રસી મૂકવા માટેની લિસ્ટેડ હૉસ્પિટલની માહિતી મેળવી શકે છે : selfregistration.cowin.v.inમાં નામ રજિસ્ટર થયા બાદ મોબાઇલમાં મેસેજ આવશે, જે હૉસ્પિટલમાં બતાવીને રસી મુકાવી શકશે.

mumbai mumbai news sion prakash bambhrolia coronavirus covid19