24 September, 2025 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ફરી એકવાર આગ લાગવાની બીના (Mumbai Fire) બની છે. કાંદિવલી વિસ્તારમાં આજે સવારે ગૅસ સિલિન્ડર લીક થયા બાદ એક દુકાનમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી. આ આગ લાગ્યા બાદ કુલ છ મહિલાઓ અને એક પુરુષને ગંભીર રીતે ઈજાઓ થઇ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના જણાવ્યા અનુસાર આ આગને કારણે કુલ ત્રણ વ્યક્તિઓ લગભગ નેવું ટકા જેટલું દાઝી ગયા છે.
આ આગ (Mumbai Fire) કાંદિવલી પૂર્વમાં આકુર્લી ક્રોસ રોડ નંબર 3 પર મિલિટરી રોડ પર ઈએસઆઈસી હોસ્પિટલની સામે આકુર્લી મેન્ટેનન્સ ચોકીની બાજુમાં આવેલ રામ કિસાન મેસ્ત્રી ચાળમાં લાગી હતી. આ ઘટનાની જાણ સવારે નવ વાગ્યે મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ને કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ જે બીના બની હતી તેમાં આગ (Mumbai Fire) ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઇન્સ્ટોલેશનમાંથી ફેલાઈ હતી. ત્યાંથી શરુ થયેલી આગ ઝડપથી ખાદ્યપદાર્થો, એલપીજી સિલિન્ડર, મેઈન વાલ્વ, ગેસ રેગ્યુલેટર અને ગ્રાઉન્ડ પ્લસ એક માળની દુકાનમાં ગેસ સ્ટોવ સહિતની વસ્તુઓને ખાક કરી ગઈ હતી. આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દોડતું પહોંચી ગયું હતું અને લગભગ સવારે ૯.૩૩ વાગ્યે આગને કાબૂમાં લેવામાં સફળ પણ રહ્યું હતું. આ ઘટનામાં કુલ સાત લોકો દાઝી ગયા હતા અને તેમને શરૂઆતમાં ESIC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી ત્રણને ગંભીર રીતે દાઝી જવાને કારણે બીડીબીએ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ESIC હોસ્પિટલમાં શિવાની ગાંધી (51) ૭૦ ટકા જેટલી દાઝી ગઈ છે. એ ઉપરાંત નીતુ ગુપ્તા ૮૦ ટકા, જાનકી ગુપ્તા ૭૦ ટકા અને મનારામ કુમાકત ૪૦ ટકા જેટલા દાઝી ગયા હતા. બીડીબીએ હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ રક્ષા જોશી અને દુર્ગા ગુપ્તા લગભગ નેવું ટકા જેટલું ટકા દાઝી ગયા હતા, જ્યારે પૂનમ તો નેવું ટકા સુધી દાઝી ગઈ હતી. આ લોકોને વધુ અને વિશેષ સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તે પહેલાં તમામ દર્દીઓને બીડીબીએ હોસ્પિટલમાં ડૉ. વિલાસ ટક્કે હેઠળ પ્રારંભિક સારવાર આપવામાં આવી હતી.
મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire) દ્વારા હાલમાં આ આગ કઈ રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરુ કરવામાં આવી છે.
આવી જ એક અન્ય ઘટના - પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી એકનું મોત, ચાર ઘાયલ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં એક મજૂરનું મોત થયું હતું અને અન્ય મજૂરો ચાર ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ માહિતી શેર કરતાં જણાવ્યું હતું. લિંબાની સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝમાં અઢારમી સપ્ટેમ્બરના રોજ સાંજે 7.30 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે, મેટલ અને એસિડને ભેળવવામાં આવી રહ્યા હતા ત્યારે પાંચ મજૂર સ્થળ પર હાજર હતા. આ ભેળવવાની પ્રક્રિયાથી વિસ્ફોટ થયો હતો.