મુંબઈ : વર્સોવાની આગમાં થયા સતત વીસ મિનિટ સુધી બ્લાસ્ટ

11 February, 2021 09:45 AM IST  |  Mumbai | Mid-day Correspondent

મુંબઈ : વર્સોવાની આગમાં થયા સતત વીસ મિનિટ સુધી બ્લાસ્ટ

ગઈ કાલે વર્સોવાના યારી રોડ પર આવેલા એચ.પી.ના ગોડાઉનમાં લાગેલી આગ બુઝાવી રહેલા ફાયર​-બ્રિગેડના જવાનો.

અંધેરી (વેસ્ટ)માં વર્સોવાના યારી રોડ ખાતે આવેલા એચપીસીએલ (હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ)નાં ગૅસ-સિલિન્ડર સ્ટૉક કરવાના ગોડાઉનમાં ગઈ કાલે સવારે ૯.૪૦ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી અને ત્યાર બાદ ગૅસ-સિલિન્ડર ફાટવા માંડ્યાં હતાં. એના ધડાકાના કારણે આજુબાજુની સોસાયટીના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સતત વીસ મિનિટ સુધી બાટલાઓ ફાટ્યા હતા. આ દુર્ઘટનામાં ચાર જણ ઘાયલ થયા છે, જેમને કૂપર હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

વર્સોવાની અંજુમન-એ-ઇસ્લામ સ્કૂલની બાજુમાં જ આવેલા એક માળના ગૅસ-સિલિન્ડરના ગોદામમાં આગ લાગ્યાની જાણ થતાં તરત જ ફાયર-બ્રિગેડનાં ૮ ફાયર-એન્જિન અને ૮ જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. જોકે એ પહેલાં જ સ્થાનિક લોકોએ ગોડાઉનની નજીકમાં જ કામ કરી રહેલા ચાર મજૂરો દાઝી જતાં તેમને ઉપાડીને કૂપર હૉસ્પિટલ પહોંચાડ્યા હતા.

આગની જાણ થતાં જ એચપીસીએલના અધિકારીઓ, પોલીસ અને બીએમસીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. આગ શા કારણે લાગી એની હાલમાં તપાસ ચાલી રહી છે. આગને કારણે ગૅસનાં સિલિન્ડરો ફાટ્યાં હતાં, જેમાં નાનાં ૪-૫ કિલોનાં સિલિન્ડરોની સંખ્યા વધુ હતી. આ ઉપરાંત મોટાં સિલિન્ડરો પણ ફાટ્યાં હતાં તથા ગરમીના કારણે ઘણાં સિલિન્ડરો વાકાં વળી ગયાં હતાં.

mumbai mumbai news versova andheri