12 March, 2024 01:55 PM IST | Mumbai | Harish Bhimani
પ્રતીકાત્મક તસવીર
Mumbai Fire: દક્ષિણ મુંબઈના કમાઠીપુરા વિસ્તારમાં સોમવારે રાત્રે એક ત્રણ માળની રહેણાંક ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે અલી અકબર ચાવલના ત્રીજા માળે આગ લાગી હતી. માહિતી મળતાની સાથે જ ત્રણ ફાયર એન્જિન અને એક એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ (Mumbai Fire)કાબુમાં આવી હતી. રાહતની વાત એ છે કે આગમાં કોઈને ઈજા થઈ નથી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કારણોની શોધ ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાથે જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ આગને કાબુમાં લેવા કમાઠીપુરાની શેરી નં. 13 માં પહોંચી હતી. અધિકારીઓએ માહિતી આપી હતી કે કોઈ જાનહાનિના સમાચાર નથી.
બીજી તરફ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના બેલેઘાટા વિસ્તારમાં પણ ત્રણ માળના મકાનમાં આગ લાગવાના સમાચાર મળ્યા છે. આગને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી અને રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તે બિલ્ડિંગમાં છ પરિવારો રહે છે.
ઉલ્લેખનીય છે કે કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલા કમલા વિહાર બિલ્ડિંગના છઠ્ઠા માળે થોડા દિવસ પહેલા આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા અને આગની જ્વાળાઓ લબકારા મારી રહી હતી. તરત જ આ બાબતે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં હાઇરાઇઝ બિલ્ડિંગ હોવાને કારણે છ ફાયરએન્જિન ધસી ગયાં હતાં. જોકે ગણતરીની મિનિટોમાં જ ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં કોઈ જાનહાનિના કે કોઈના જખમી થવાના અહેવાલ નથી.
નોંધનીય છે કે બૉલીવુડના અનેક સ્ટાર્સ જ્યાં રહે છે એ બાંદરા-વેસ્ટના પાલી હિલ વિસ્તારની નવરોઝ સોસાયટીમાં ૧૪મા માળે આવેલા ફ્લૅટમાં થોડા દિવસો પહેલા આગ ફાટી નીકળી હતી. બીએમસીના જણાવ્યા મુજબ આગની જાણ થતાં જ ચાર ફાયરએન્જિન, ત્રણ જમ્બો ટૅન્કર અને અન્ય રેસ્ક્યુ વેહિકલ્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને રાત્રે સાડા નવ વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઘાયલ થવાના અહેવાલ નથી. પૉશ સોસાયટીમાં આગ લાગી હોવાથી તરત જ મોટી સંખ્યામાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. સાવચેતીની દૃષ્ટિએ મકાન ખાલી કરાવાયું હતું.