ફાયર-ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની તંગીથી વધ્યું કામનું દબાણ

01 November, 2012 05:16 AM IST  | 

ફાયર-ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની તંગીથી વધ્યું કામનું દબાણ



ફાયર-બ્રિગેડમાં સ્ટાફની ભારે કમીને કારણે કર્મચારીઓ પર કામનું દબાણ વધી ગયું છે જેને કારણે ફાયર-બિગ્રેડના અધિકારીઓ અપસેટ અને હતાશ છે. ફાયર-ડિપાર્ટમેન્ટ કુલ ૯૮ અધિકારીઓ કામ કરી શકે એટલી ક્ષમતા છે, પણ ૨૯ જગ્યા છેલ્લા એક વર્ષથી ખાલી હોવાને કારણે કામનું દબાણ વધી ગયું છે.

ફાયર-ડિપાર્ટમેન્ટ દ્વારા કૉલને ન્યાય આપવા જેવી નિયમિત જવાબદારી સિવાય અધિકારીઓ પર પ્રાઇવેટ ઇમારતોના ફાયર-ઑડિટ તેમ જ મૉલ, મલ્ટિપ્લેક્સ, હૉસ્પિટલ્સ તેમ જ મહાનગરપાલિકાની સ્કૂલોની ઇમારતના ઇન્સ્પેક્શન જેવી ઘણી જવાબદારીઓ હોય છે  અને ઓછા સ્ટાફને કારણે આ જવાબદારીનું દબાણ વધી જાય છે.

બહુમાળી ઇમારતોમાં આગ લાગવાની દુર્ઘટનાઓનું પ્રમાણ ઘટે એ માટે મહારાષ્ટ્ર  ફાયર પ્રિવેન્શન ઍન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ ઍક્ટ ૨૦૦૬ અંતર્ગત નવી ઇમારતોમાં ફાયર-ફાઇટિંગ સાધનો લગાવવાનું તેમ જ વર્ષમાં બે વખત આ વ્યવસ્થા બરાબર કામ કરતી હોવાનું લાઇસન્સ્ડ એજન્સી પાસેથી સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. નામ ન આપવાની શરતે એક ફાયર-ઑફિસરે કહ્યું હતું કે નિયમ પ્રમાણે દરેક ફાયર-સ્ટેશન ઑફિસરે એક મહિનામાં ઓછામાં ઓછી ચાર બહુમાળી ઇમારતનું ઇન્સ્પેક્શન કરીને એનો રિપોર્ટ તેના ઉપરી અધિકારીને આપવાનો હોય છે, પણ અત્યારના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાં આ માટે સમય કાઢવો અશક્ય છે.

હાલમાં ફાયર-ડિપાર્ટમેન્ટમાં પાંચ ડિવિઝનલ ફાયર-ઑફિસર્સને ડેપ્યુટી ચીફ ફાયર-ઑફિસર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે, પણ કોઈ જુનિયર અધિકારીને પ્રમોશન નથી મળ્યું. આને કારણે અધિકારીઓનું મનોબળ તૂટી ગયું છે. પોતાની સમસ્યા વિશે વાત કરતાં એક ફાયર-ઑફિસરે કહ્યું હતું કે ‘સિનિયરોએ પોતાનો રસ્તો કરી લીધા બાદ જુનિયર પોસ્ટ પણ ભરવી જોઈએ જેથી કામ વધારે સરળતાથી થઈ શકે. હાલમાં સાઉથ મુંબઈથી માહિમ અને સાયન સુધી ફેલાયેલા તળ મુંબઈના વિસ્તારમાં માત્ર એક ડિવિઝનલ ફાયર-ઑફિસર છે. તે રજા પર જાય છે ત્યારે ઉપનગરના બે ફાયર-ઑફિસરોએ તેની જવાબદારી લેવી પડે છે જેને કારણે તેમના કામ પર અસર પડે છે.’

ચીફ ફાયર-ઑફિસર એસ. વી. જોશીએ આ વિશે જણાવ્યું હતું કે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે અને અમે ટૂંક સમયમાં એની જાહેરાત કરીશું. આ ભરતી થઈ જાય પછી છ મહિના તેમની ટ્રેઇનિંગ ચાલશે.