મુંબઈ: અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં કટલરીની 100 દુકાનો ભયંકર આગમાં ખાખ

06 October, 2020 07:17 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં કટલરીની 100 દુકાનો ભયંકર આગમાં ખાખ

કટલરી માર્કેટમાં લાગેલી આગ બૂઝાવી રહેલા ફાયરબ્રિગેડના જવાનો.

દક્ષિણ મુંબઈની અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં આવેલી જુમા મસ્જિદની બાજુમાં આવેલી કટલરી માર્કેટના ગ્રાઉન્ડ+ત્રણ માળના મકાનમાં રવિવારે સાંજે ૪.૩૦ વાગ્યે લાગેલી આગમાં ૧૦૦ કરતાં વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. સાંકડી ગલી અને નજીક-નજીક મકાનો હોવાથી આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી. આગ બુઝાવી રહેલા બે જવાનોને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. આગની આ ઘટનામાં ફાયરબ્રિગેડે રવિવારે ૭ જણને ઉગાર્યા હતા.

ફાયરબ્રિગેડ કન્ટ્રોલમાંથી મળેલી માહિતી મુજબ ૧૭ ફાયર-એન્જિન અને ૧૭ જમ્બો ટૅન્કર, ટર્ન ટેબલ લેડર અને એરિયલ લેડર પ્લૅટફૉર્મ સહિત ઍમ્બ્યુલન્સ આગ બુઝાવવા મોકલાયાં હતાં. આગને કાબૂમાં લેવામાં ૨૪ કલાકથી વધુ સમય લાગ્યો હતો. ઘટનાસ્થળ સાંકડી જગ્યામાં હોવાથી ખાસ્સી મુશ્કેલી પડી હતી. વળી અહીંનાં મકાનો ખૂબ જ જૂનાં હોવાથી દાદરા અને બીમમાં મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થયો હોવાથી આગ લાંબા સમય સુધી ભભૂકતી રહી હતી.

કટલરી માર્કેટમાં મોટા ભાગનો સામાન પ્લાસ્ટિક, કાગળ, લાકડા અને રબરનો હતો. એ માર્કેટમાં જગ્યા બહુ નાની હોવાથી માલ ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે એથી એ બધું જ આગની ચપેટમાં આવીને બળી રહ્યું હોવાથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

mumbai mumbai news