બૉઇલર ફાટવાનો અવાજ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો

21 March, 2021 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રત્નાગિરિની કેમિકલની ફૅક્ટરીમાં આગ : છનાં મોત, ફાયર-બ્રિગેડે આશરે 50 લોકોને બચાવ્યા

રત્નાગિરિની કેમિકલ ફૅક્ટરીમાં ગઈ કાલે થયેલો બ્લાસ્ટ.

રત્નાગિરિની લોટે એમઆઇડીસીમાં આવેલી ઘારડા કેમિકલની ફૅક્ટરીમાં શનિવારે સવારે આગ ફાટી નીકળી હતી. આ આગમાં છ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે આશરે ૫૦ જણને ફાયર-બ્રિગેડે બચાવી લીધા હતા. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જે લોકો વધુ ગંભીર હતા તેમને મુંબઈની હૉસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. બૉઇલર વધુ ગરમ થવાને કારણે એમાં બ્લાસ્ટ થયા પછી ફૅક્ટરીમાં આગ લાગી હતી. બૉઇલર ફાટવાનો અવાજ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

રત્નાગિરિ જિલ્લાના ખેડ તાલુકામાં આવેલી ઘારડા કેમિકલ કંપની જિલ્લાની સૌથી મોટી કેમિકલ કંપની છે. અનેક પ્રકારનાં કેમિકલો એ ફૅક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે. ગઈ કાલે સવારે એના ૭-બી પ્લાન્ટમાં બે જોરદાર બ્લાસ્ટ થયા હતા અને આગ ફાટી નીકળી હતી. એ વખતે કંપનીમાં આશરે ૫૦ જેટલા કામદારો હતા. કામદારોનો ટી-ટાઇમ પત્યા બાદ થોડી જ વારમાં બે બ્લાસ્ટ થયા હતા. આગમાં એ કામદારો ફસાઈ ગયા હતા. કંપનીની જ બચાવટીમે એમાંના પાંચ કામદારોને બચાવીને બહાર કાઢ્યા હતા. તેમને ખેડની સરકારી હૉસ્પિટલમાં મોકલાયા હતા. આગની જાણ ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ અન્ય કામદારોને બહાર કાઢ્યા હતા. એમ છતાં ૬ કામદારોનાં આ આગમાં મૃત્યુ થયાં હતાં. ફાયર-બ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કંપની તરફથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને પંચાવન લાખ રૂપિયા અને ઘાયલોને ૨૦ લાખ રૂપિયાની મદદ જાહેર કરવામાં આવી હતી.

mumbai mumbai news ratnagiri maharashtra