નાયગાંવની ગાયબ ત્રણ સગીરા છેક તુળજાપુરમાંથી મળી

26 November, 2020 07:28 AM IST  |  Mumbai | Mumbai Correspondent

નાયગાંવની ગાયબ ત્રણ સગીરા છેક તુળજાપુરમાંથી મળી

પ્રતીકાત્મક તસવીર

નાયગાંવના ચિંચોટી પરિસરમાં રહેતી ત્રણ સગીર કિશોરી ગયા શનિવારે રહસ્યમય રીતે ગાયબ થઈ હતી. ૧૨થી ૧૫ વર્ષની કિશોરીઓના પરિવારે વાલીવ પોલીસમાં મીસિંગની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કરેલી તપાસમાં તેઓ તુળજાપુરમાં હોવાનું જણાતાં તેમને ત્યાંથી પાછી લવાઈ હતી. ત્રણેય સગીરા લગ્ન કરવાને બદલે પોતાના પગ પર ઊભી રહેવા માગતી હોવાથી ઘરેથી રૂપિયા લઈને ભાગી ગઈ હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.

વાલીવ પોલીસના જણાવ્યા મુજબ નાયગાંવના ચિંચોટી પરિસરમાં આવેલા ભાવિપાડા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી ૧૨, ૧૩ અને ૧૫ વર્ષની ત્રણ કિશોરી ગયા શુક્રવારે રાત્રે ઘરેથી ગયા બાદ પાછી નહોતી ફરી. પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ અહીંના વાલીવ પોલીસે આ સગીરાઓને શોધવા માટે ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. કિશોરીઓનું અપહરણ થવાની શક્યતા હોવાથી પોલીસે એ દિશામાં તપાસ કરી હતી. તપાસમાં એક મોબાઇલ નંબર હાથ લાગ્યો હતો, જેને આધારે કિશોરીઓ જે ટૅક્સીમાં ગઈ હતી એના ડ્રાઇવરને તાબામાં લીધો હતો અને પૂછપરછ કરી હતી. તેણે ત્રણેયને તુળજાપુર પહોંચાડી હોવાનું જણાયું હતું. પોલીસની ટીમ ત્રણેય કિશોરીના ફોટા સાથે તુળજાપુર પહોંચી હતી અને તેમને એક હોટેલમાંથી શોધી લીધી હતી.

વાલીવ પોલીસના સબ ઇન્સ્પેક્ટર નવલ અને ક્રાઈમ બ્રાન્ચના હવાલદાર તોત્રે અને કોકણીની ટીમે આ સફળ કાર્યવાહી પાર પાડી હતી. કિશોરીઓની પૂછપરછમાં જણાયું હતું કે એક કિશોરી ૨૭,૦૦૦, બીજી એક લાખ રૂપિયા અને ત્રીજી ૨૦,૦૦૦ રૂપિયા ઘરમાંથી લઈને નીકળી હતી. પોતે લગ્ન કરવાને બદલે પોતાના પગ પર ઊભી રહેવા માગતી હોવાથી ઘરેથી ભાગી હોવાનું જણાવ્યું હતું.

naigaon mumbai mumbai news