ઍનલૉગ પનીર, ઉંદર કરડેલાં તેલનાં પૅકેટ્સ, વાંદા અને માખીઓ સાથે બનતી કેક

19 August, 2026 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં FDAના લેટેસ્ટ સપાટામાં ૬ સંસ્થાનનાં ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ

મરોલના કૅફે સિફારિશમાં ગંદકી તેમ જ ખારની પ્રિન્સ ઑફ વેલ્સ રેસ્ટોરાંમાં ગદકી.

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક તપાસ-ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એની લેટેસ્ટ કાર્યવાહી અંતર્ગત અન્ન સુરક્ષા અને ધોરણના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવા બદલ મુંબઈની ૬ પ્રખ્યાત હોટેલો, કૅફે અને ક્લબનાં ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. બાંદરાની ઑટર્સ ક્લબ, દહિસરની ડેઇલી ફ્રેશ બેકર્સ, ખારની પ્રિન્સ ઑફ વેલ્સ રેસ્ટોરાં, વિલે પાર્લેની રાજ ઑઇલ ટ્રેડિંગ, મરોલમાં કૅફે સિફારિશ અને ચેમ્બુરસ્થિત ઝેપ્ટો લિમિટેડ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમ્યાન આ તમામ આઉટલેટ્સમાં આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત ગંભીર ક્ષતિઓ સામે આવી હતી.
મુંબઈ FDAના એક સિનિયર અધિકારીએ 

‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાંદરાની ઑટર્સ ક્લબમાં રાજ્યમાં પ્રતિબંધિત એવું ઍનલૉગ પનીર ગ્રાહકોને પીરસવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. દહિસરની ડેઇલી ફ્રેશ બેકર્સમાં એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય એવા કલરનો ઉપયોગ, વાંદા અને માખીઓનો ઉપદ્રવ તેમ જ ટાઇલ્સની ફર્શ પર રાખીને કેક બનાવવામાં આવતી હોવાનું જોવા મળ્યું હતું. વિલે પાર્લેની રાજ ઑઇલ ટ્રેડિંગમાં તેલનાં પૅકેટો પર ઉંદર કરડવાનાં નિશાનો અને દુર્ગંધ મળી આવ્યાં હતાં. બીજી તરફ ચેમ્બુરની ઝેપ્ટો લિમિટેડના ડાર્ક સ્ટોરમાં ફ્રોઝન અને નૉન-વેજ ફૂડ નિર્ધારિત તાપમાન કરતાં ગરમ તાપમાને સંગ્રહિત કરવામાં આવતું હોવાનું નિરીક્ષણમાં બહાર આવ્યું હતું.’

ફડણવીસે FDAની કામગીરીની પ્રશંસા કરીને કહ્યું...આ ઍક્શન ચાલુ જ રહેશે

તુકારામ મુંઢે જ્યારથી ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍િમનિસ્ટ્રેશન (FDA)ના કમિશનરપદે નિમાયા છે ત્યારથી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી એવી ભેળસેળયુક્ત અને અસ્વચ્છતામાં ખાવાની આઇટમો બનાવતા લોકો પર તવાઈ આવી રહી છે અને કાર્યવાહી થઈ રહી છે, તેમને નોટિસ અપાઈ રહી છે અને ઘણી વાર તેમનાં ફૂડ-લાઇસન્સ પણ રદ કરાઈ રહ્યાં છે એટલે હાલ FDA અને તુકારામ મુંઢેની ચર્ચા છે. ગઈ કાલે પત્રકારોએ એક કાર્યક્રમ બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ સંદર્ભે પ્રશ્નો પૂછતાં તેમણે આ બાબતે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી.

FDA દ્વારા કરવામાં આવી રહેલી સતત કામગીરી બાબતે ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે બહુ સારી ઍક્શન લેવાઈ રહી છે. ફૂડ ઍડલ્ટ્રેશન કે પછી ફૂડનાં જે સ્ટાન્ડર્ડ્‍સ છે એનો જ્યારે કોઈ ભંગ કરે છે તો એને કારણે લોકોને જીવનું જોખમ હોય છે, તેમના સ્વાસ્થ્ય સામે જોખમ હોય છે એટલે એમાં સ્ટ્રિક્ટ ઍક્શનની જરૂર હતી અને એ લેવાઈ રહી છે. મને ખુશી છે કે આવી ઍક્શન લેવાઈ રહી છે. હવે એ કન્ટિન્યુ રહેશે.’ 

mumbai news mumbai food and drink street food mumbai food food and drug administration tukaram mundhe maharashtra government maharashtra news maharashtra