મુંબઈ : મેટ્રોના કામને કારણે દહિસર ટોલનાકા પર હમણાં ફાસ્ટેગ મુશ્કેલ

06 December, 2020 08:21 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : મેટ્રોના કામને કારણે દહિસર ટોલનાકા પર હમણાં ફાસ્ટેગ મુશ્કેલ

દહિસર ટોલનાકાનો સિંબોલિક ફોટો.

રોજના લાખો રૂપિયાનાં ઈંધણની સાથે સમયની પણ બચત થાય એ માટે કેન્દ્ર સરકારે ૧ જાન્યુઆરીથી દેશના દરેક ટોલનાકા પર ફાસ્ટેગ લેન શરૂ કરવા કહ્યું છે. એટલું જ નહીં, દરેક ટોલનાકા પરની બધી જ લેન ધીમી-ધીમે ફાસ્ટેગ કરવાનું પણ કહ્યું છે, જેથી વાહનોની મૂવમેન્ટમાં આસાની રહે અને ટ્રાફિક જૅમ ન સર્જાય. જોકે મુંબઈના દહિસર ટોલનાકા પરના ટ્રાફિક જૅમમાંથી મુંબઈગરાઓને નજીકના ભવિષ્યમાં મુક્તિ મળે એવી શક્યતા ન હોવાનું સરકારી એજન્સીઓનું કહેવું છે.'

એમએમઆરડીએ દ્વારા દહિસર ચેકનાકા પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. એમએમઆરડીએના જૉઇન્ટ ડિરેક્ટર બી. જી. પવારે કહ્યું છે કે ટોલનાકા પર બે વધારાની લેન ચાલુ કરવાનો પ્રસ્તાવ હતો. એ માટે નૉર્થ બાઉન્ડ અને સાઉથ બાઉન્ડ બન્ને લેનમાં સાઇડના વિસ્થાપિતોને વળતર આપવું પડશે માટે એમસીજીએમના અધિકારીઓ સાથે ગયા મહિને જ અમારા અધિકારીઓએ વિઝિટ કરી હતી. હવે એ સંદર્ભે ચર્ચા કરી નિર્ણય લેવાશે.આ સંદર્ભે જ્યારે એમએસઆરડીસીને પૂછવામાં આવ્યું ત્યારે તેના જૉઇન્ટ ડિરેક્ટર વિજય વાઘમારેએ કહ્યું હતું કે દહિસર ટોલનાકા પર અમારે ફાસ્ટેગની શરૂઆત કરવી છે પણ એ હજી સુધી થઈ શક્યું નથી. અહીં મેટ્રોનું કામ પણ ચાલુ છે. વળી એ ટોલનાકા જ ખસેડવા બાબતે પણ વિચારણા ચાલી રહી છે. ત્યાંનો ટ્રાફિક પણ ડાઇવર્ટ કરવો પડે એમ છે. તાત્પૂરતો ઉકેલ લાવવા ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભાં કરવાં અને પાછા તોડવા એમાં ઘણોબધો મૉનિટરી લૉસ થતો હોય છે એથી એ કામ હાલ રોકાઈ ગયું છે. એકવાર એ નક્કી થાય કે ત્યાં કઈ રીતની લેન બનાવવાની છે એ પછી જ તેના પર કામ થઈ શકે. એમએમઆરડીએ દ્વારા ત્યાં બે વધારાની લેન નાખવાનો પ્લાન છે પણ એ જગ્યાએ એ શક્ય લાગતું નથી. અમે તેમને કહ્યું છે કે જે રીતે તમે ત્યાં વધારાની બે લેન ચાલુ કરવા કહો છો એની અમને એક મોક ટેસ્ટ કરી દેખાડો. સમજો બે લેનને બેરિકેડ લગાડી બંધ કરાય અને નવી બે લેન ચાલુ કરાય તો એ અમને પ્રેક્ટિકલી ઇફેક્ટિલ લાગતું નથી. મૂળ મુદ્દો લોકોને હાડમારી ન ભોગવવી પડે એનો છે. વળી આ બાબતે ટ્રાફિક પોલીસને પણ કન્સલ્ટ કરવી પડશે, કારણ કે ટ્રાફિકનું નિયમન કરતી વખતે બર્ડન તેમના પર જ આવવાનું છે. આમ એકસાથે ઘણી બાબતો સંકળાયેલી હોવાથી પહેલા એ ઉકલવી પડશે અને ત્યાર બાદ ફાસ્ટેગની કાર્યવાહી થઈ શકશે.

દહિસર ટોલનાકાના ટ્રાફિક જૅમ સદંર્ભે ડીસીપી ટ્રાફિક (સિટી) સોમનાથ ઘારગેએ કહ્યું હતું કે ટોલ-નાકાની કંપની અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે મળીને જ તેનો ઉકેલ લાવી શકાશે.

mumbai mumbai news mumbai metro dahisar