19 July, 2026 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પડેલા વરસાદમાં બાંદરા સ્ટેશનની બહાર ભીંજાતા પ્રવાસીઓ. તસવીર : સતેજ શિંદે
આ સીઝનમાં પહેલા સેશનમાં મૉન્સૂને જોરદાર બઘડાટી બોલાવી હતી અને બધું પાણી-પાણી કરી નાખ્યું હતું. એ પછી એણે લાંબી દાંડી મારી હતી. વળી ગયા અઠવાડિયામાં તો હળવા છાંટા જ પડ્યા હતા. જોકે હવે હવામાન ખાતાએ આગાહી કરી હતી કે શનિવારે ૧૮ જુલાઈથી ફરી વરસાદ ત્રાટકશે અને આવનારા ચાર-પાંચ દિવસ વરસાદ આવશે. મુંબઈમાં ગઈ કાલે એની અસર જોવા મળી હતી. કેટલીક જગ્યાએ હળવાં તો કેટલીક જગ્યાએ ભારે ઝાપટાં પડ્યાં હતાં. બપોર પછી કેટલીક જગ્યાએ સતત ઝરમર-ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. એને કારણે થોડા દિવસથી ઉકળાટમાં પરેશાન થતા મુંબઈગરાઓએ રાહત અનુભવી હતી. મુંબઈગરાઓના માનીતા ફરવાના હિલ-સ્ટેશન મહાબળેશ્વરમાં પણ ગઈ કાલે વરસાદ જામ્યો હતો. શનિ-રવીના વીક-એન્ડમાં રજા માણવા ગયેલા સહેલાણીઓને મજા પડી ગઈ હતી.
એક્સપર્ટ્સનું કહેવું છે કે હાલ અરબી સમુદ્રની ઉપરના લેયરમાં વંટોળની જેમ પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે નીચે હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે અને એથી ભેજ ખેંચાઈ આવે છે એટલે આવનારા અઠવાડિયામાં વરસાદનાં હળવાંથી મધ્યમ અને ક્યારેક ભારે ઝાપટાં પડતાં રહેશે.
આ વર્ષે મૉન્સૂનનું આગમન મોડેથી થયું હોવા છતાં મુંબઈમાં અત્યાર સુધીનો સીઝનનો ઍવરેજ ૪૭ ટકા વરસાદ પડી ગયો છે. એમ છતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મૉન્સૂન પહેલાં જે ૧૦ ટકા પાણીકાપ મૂક્યો હતો એ પાછો ખેંચ્યો નથી. આખા વર્ષ દરમ્યાન મુંબઈને ૧૪.૪૭ લાખ મિલ્યન લીટર પાણીની જરૂર હોય છે.