મુંબઈ: અંધેરી સ્ટેશને એસ્કેલેટરે ચાલ બદલી

19 February, 2020 07:40 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: અંધેરી સ્ટેશને એસ્કેલેટરે ચાલ બદલી

ફોટોલાઇન : અંધેરીમાં બગડેલું એસ્કેલેટર મરમ્મત માટે બંધ કરાયું હતું.

ગયા સોમવારે સાંજે ભીડભાડ ભર્યા અંધેરી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ત્રણનું એસ્કેલેટર અચાનક ઊંધું ફરવા માંડતાં લોકોમાં ભય ફેલાયો અને નાસભાગ મચી ગઈ હતી. એ આકસ્મિક ઘટનામાં એક મુસાફર ઘાયલ થયો હતો. પશ્ચિમ રેલવેએ ગઈ કાલે જણાવ્યું હતું કે શહેરનાં ઉપનગરીય સ્ટેશનો પરનાં અન્ય ૧૭ એસ્કેલેટર્સ ખરાબ હાલતમાં હોવાનું ધ્યાનમાં આવતાં એ બધાંનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. 

અંધેરીની ઘટના પછી પ્રવાસીઓએ મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી. દુર્ઘટના પછી સંબંધિત એસ્કેલેટર બંધ કરીને ઉત્પાદક કંપનીના મિકેનિક્સ દ્વારા તાકીદે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.

સોમવારે અંધેરીમાં બનેલી ઘટના બાબતે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દર ભાટકરે જણાવ્યું હતું કે ‘એસ્કેલેટરની મોટરની કપલિંગ સિસ્ટમમાં બ્રેક સ્લિપેજ અથવા મિકેનિકલ ફેઇલ્યરની સમસ્યાને કારણે દુર્ઘટના બની હશે, પરંતુ સુરક્ષાની અનેક જોગવાઈઓ હોવાથી એસ્કેલેટર તાત્કાલિક રોકાઈ ગયું હતું. આવાં ૧૭ એસ્કેલેટર્સની સમસ્યાઓ છે. એ મુશ્કેલીઓના ઉકેલ માટે એસ્કેલેટર્સની મોટર્સ બદલી રહ્યાં છીએ.’

દહાણુ-વૈતરણા પ્રવાસી સેવા સંસ્થાના હોદ્દેદાર મહેશ પાટીલે જણાવ્યું હતું કે ‘અમે આ વિષય તરફ ડિવિઝનલ રેલવે મૅનેજર જીવીએલ સત્યકુમારનું ધ્યાન દોર્યું છે. તેમણે આ સમસ્યાના ઉકેલને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી હતી.

હું રેલવેના આઇઆઇટી-બી દ્વારા સર્વે કરાવવાની વિનંતી કરું છું અને તેમણે ઇમર્જન્સી પરિસ્થિતિને નિવારવા માટેનાં અગમચેતીનાં પગલાં પણ જણાવવાં જોઈએ. પીક-અવર્સ દરમિયાન એસ્કેલેટર નજીક કેટલાક ગાર્ડ‍‍્સ તહેનાત કરવા જોઈએ.

- અમય સાવે, પ્રવાસી, આઈટી પ્રોફેશનલ

rajendra aklekar mumbai mumbai news andheri western railway