26 May, 2026 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનિલ અંબાણીની ફાઇલ તસવીર
મુંબઈ પોલીસ (Mumbai Police)ની આર્થિક ગુના શાખા (Economic Offences Wing) એ સોમવારે અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપ (Anil Dhirubhai Ambani Group - ADAG) સાથે જોડાયેલી કંપનીઓના ભૂતપૂર્વ ડિરેક્ટરો અને અધિકારીઓ વિરુદ્ધ કથિત છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાનો નવો ગુનો નોંધ્યો છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓએ બેંકમાંથી રુપિયા ૧૫૦ કરોડની લોન મેળવી હતી અને બાદમાં આ ભંડોળનો ઉપયોગ જે હેતુ માટે લોન મંજૂર કરવામાં આવી હતી તેના સિવાયના અન્ય હેતુઓ માટે કર્યો હતો. અંતે તેઓ લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને ડિફોલ્ટ થયા હતા. એક્સિસ બેંક (Axis Bank) દ્વારા ADAG ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ વિરુદ્ધ દાખલ કરાયેલી ફરિયાદ (Mumbai EOW Registers Fresh rs 150 Crore Fraud Case Against Anil Ambani-Linked Firms) ના આધારે આ બીજી એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે.
ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) ના એક સૂત્રએ જણાવ્યું કે, આ નવો ગુનો એક્સિસ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ પ્રકાશ પ્રભાકર રાવની ફરિયાદના આધારે કફ પરેડ પોલીસ સ્ટેશન (Cuffe Parade Police Station)માં નોંધવામાં આવ્યો છે. રાવે અગાઉ આ વર્ષે માર્ચ મહિનામાં પણ સમાન આક્ષેપો સાથે રિલાયન્સ ADAG ગ્રુપ સંલગ્ન અનેક કંપનીઓ અને તેમના ડિરેક્ટરો વિરુદ્ધ અન્ય એક એફઆઈઆર (FIR) નોંધાવી હતી.
આ એફઆઈઆરમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL)ના તત્કાલીન હોલ-ટાઇમ (પૂર્ણકાલીન) ડિરેક્ટર, ADAG ગ્રુપની અંદર લાભાર્થી કંપનીઓના ભૂતપૂર્વ ડિરેક્ટરો અને અન્ય સંબંધિત કંપનીના અધિકારીઓના નામ સામેલ છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કથિત ગુનો જાન્યુઆરી ૨૦૧૦ થી નવેમ્બર ૨૦૧૯ વચ્ચે આચરવામાં આવ્યો હતો. તપાસકર્તાઓને શંકા છે કે આરોપીઓએ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટરો સાથે મળીને ફરિયાદ કરનાર બેંક સાથે છેતરપિંડી કરવા અને તેને આર્થિક નુકસાન પહોંચાડવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ લોન મેળવવા માટે કથિત રીતે નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા, ખોટી નાણાકીય માહિતી આપી હતી અને આરએચએફએલ (RHFL)ની નાણાકીય સ્થિતિ અંગે ગેરમાર્ગે દોરનારા ખુલાસા કર્યા હતા. ત્યારબાદ આ ભંડોળ કથિત રીતે ગ્રુપની અન્ય સંલગ્ન કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) હાલમાં નાણાકીય લેવડદેવડના પુરાવા અને ભંડોળની આ કથિત હેરાફેરીમાં કંપનીના વિવિધ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે.
આ અગાઉ, આ જ વર્ષે ૧૨ માર્ચના રોજ EOW એ અનિલ અંબાણી (Anil Ambani) ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓ વિરુદ્ધ સમાન આધારો પર વધુ એક ગુનો નોંધ્યો હતો.