લડાયક કચ્છી જૈન ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ જીવનનો જંગ હારી ગયા

28 July, 2020 12:59 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

લડાયક કચ્છી જૈન ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ જીવનનો જંગ હારી ગયા

કમનસીબ બિઝનેસમૅન પ્રફુલ દેઢિયા.

ગોરેગામમાં આવેલા બાંગુરનગરમાં રહેતા અને પ્લાસ્ટિકના દાણાનો બિઝનેસ ધરાવતા ૫૯ વર્ષના કચ્છી જૈન ઇન્ડસ્ટ્રિયાલિસ્ટનું ગઈ કાલે સવારે અંધેરીમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. લડાયક મિજાજ ધરાવતા આ બિઝનેસમૅન લગભગ એક મહિના સુધી મોત સામે ઝઝમૂતા રહ્યા હતા, પરંતુ ફેફસાંની જૂની બીમારીમાં તેઓ રિકવર નહોતા થઈ શક્યા. કોવિડ સામેની લડતમાં તેઓ સફળ રહ્યા હતા, પરંતુ ફેફસાં કામ કરતા બંધ થઈ જવાને લીધે તેઓ જીવન સામેની જંગ હારી ગયા હતા.

કચ્છી વીશા ઓસવાળ જૈન સમાજમાં આગળ પડતું નામ ધરાવતા પ્રફુલ દેઢિયા મુંદ્રા તાલુકાના ભોરોના ગામના વતની હતા. તાજેતરમાં જ તેમની શિવસેનાના ગોરેગામથી દહિસર સુધીના વેપારી સંગઠનમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિયુક્તિ થઈ હતી. તેઓ બિઝનેસની સાથે રાજકીય રીતે પણ સક્રિય હતા. ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ સાથે તેમના નજીકના સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રફુલ દેઢિયાના પુત્ર સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૫ જૂને મને કોરોનાના લક્ષણ દેખાયા બાદ રિપોર્ટ કરાવતા પૉઝિટિવ આવ્યો હતો. બાદમાં મમ્મી અને પપ્પાની ટેસ્ટ પણ પૉઝિટિવ આવી હતી. સારવાર બાદ ત્રણેય કોરોનામાંથી બહાર નીકળી ગયાં હતાં, પરંતુ પપ્પાને ફેફસાંની પહેલેથી તકલીફ હતી એટલે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. થોડો સમય ઘરે રહ્યા બાદ તેમને અંધેરીની પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાયા હતા. ફેફસાં કામ કરતા બંધ થઈ જવાને લીધે ગઈ કાલે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સુભાષ દેસાઈ સહિતના બધા કહેતા કે પપ્પા ખૂબ જ લડાયક મિજાજ ધરાવતા હોવાથી તેઓ હેમખેમ બહાર આવશે. જોકે ડૉક્ટરોના તમામ પ્રયાસ બાદ પણ તેઓ બચી નહોતા શક્યા.’ દેઢિયા પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ પહેલાં તેમને ગોરેગામની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાયા હતા. અહીં થોડી રાહત થતાં તેઓ ઘરે આવી ગયા હતા. જોકે બાદમાં તેમને શ્વાસ લેવાની તકલીફ થતાં પહેલાં મલાડ અને બાદમાં અંધેરીની મલ્ટિસ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાયા હતા.

mumbai mumbai news prakash bambhrolia goregaon