અંધશ્રદ્ધા! : પિતાના આત્માની શાંતિ માટે વૃદ્ધનું મર્ડર કરાવ્યું

15 October, 2020 11:44 AM IST  |  Mumbai | Mumbai Correspondent

અંધશ્રદ્ધા! : પિતાના આત્માની શાંતિ માટે વૃદ્ધનું મર્ડર કરાવ્યું

હત્યારાઓ સાથે મુલુંડ પોલીસની ટીમ.

મુલુંડ વેસ્ટમાં વિજયનગર વિસ્તારમાં બીજી ઑક્ટોબરની રાત્રે એક ૭૦ વર્ષના વૃદ્ધની હત્યા કરાઈ હોવાની ઘટના બની હતી. પોલીસની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. પિતાના આત્માને શાંતિ મળે એ માટે બે ભાઈએ સુપારી આપીને આ હત્યા કરાવી હતી. પોલીસે આ મામલામાં બન્ને ભાઈ સહિત ૬ આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ૩ ઑક્ટોબરની સવારે મારુતિ ગવળી નામના ૭૦ વર્ષના વિજયનગરમાં રહેતા વૃદ્ધની હત્યા કરાયેલો મૃતદેહ એક દુકાનની બહાર મળી આવ્યો હતો. અજાણ્યા હત્યારાઓએ છરી અને પથ્થરથી હુમલો કરીને આ હત્યા કરી હતી.

આ મામલાની તપાસ કરી રહેલા મુલુંડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે મૃતક મારુતિ ગવળી જે સમાજમાંથી હતા તે જ સમાજના બે ભાઈઓ આ મૃતકના અંતિમસંસ્કારમાં હાજર નહોતા રહ્યા. આથી શંકાને આધારે બન્ને ભાઈને તાબામાં લઈને પૂછપરછ કરાતાં તેમણે પિતાના આત્માને શાંતિ આપવા માટે અંધશ્રદ્ધાને કારણે મારુતિ ગવળીની હત્યા કરવા માટે ૭૦,૦૦૦ રૂપિયાની સુપારી આપી હતી. ગોવંડી અને ઘાટકોપરમાં રહેતા ચાર આરોપીએ બાદમાં વૃદ્ધની હત્યા કરી હતી.

મુલુંડના ઝોન-૭ના ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું હતું કે અમે વૃદ્ધ મારુતિ ગવળીની હત્યાના કેસમાં પાંચ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. બે ભાઈઓની માહિતી મળ્યા બાદ અમને હત્યાની કડી મળી હતી. દીપક અને વિનોદ મોરે નામના ભાઈઓની પૂછપરછમાં તેમણે સુપારી આપીને હત્યા કરાવી હોવાનું કબૂલતા અમે આસિફ નાસિર શેખ, મોઈનુદ્દીન અલ્લાઉદ્દીન અન્સારી, આરીફ અબ્દુલ સત્તાર ખાન અને શાહનવાજ અખ્તર નામના આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ છ આરોપી સામે હત્યાનો કેસ નોંધીને ધરપકડ કરાઈ છે.

mumbai mumbai news mulund