સરકાર રોગચાળાને ફેલાતો નહીં રોકે તો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાંગી પડશે

11 May, 2020 11:02 AM IST  |  Mumbai | Prajakta Kasale

સરકાર રોગચાળાને ફેલાતો નહીં રોકે તો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાંગી પડશે

ધારાવીમાં લોકોને રિપોર્ટ કઢાવવા માટે વિનંતી કરતા ડૉક્ટર અને હેલ્થ વર્કર. તસવીર : સુરેશ કરકેરા

અસોસિએશન ઑફ મેડિકલ કન્સલ્ટન્ટ્સ (એએમસી)ના સભ્ય સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સંબોધીને લખેલા પત્રમાં કોરોના રોગચાળા વિરોધી અભિયાનના મૅનેજમેન્ટમાં સંખ્યાબંધ ખામીઓની યાદી આપી છે. પત્રમાં જણાવાયું છે કે સરકાર સખતાઈથી મૅનેજ ન કરે તો રાજ્યના હેલ્થ કૅર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે વધુ સમસ્યાઓ ઊભી થશે. અસોસિએશનના પ્રમુખ ડૉ. દીપક બૈદ અને મંત્રી ડૉ. નીલિમા વૈદ્ય-ભામરેએ સહી કરેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કઈ હૉસ્પિટલમાં કેટલા બેડ ઉપલબ્ધ છે એની વિગતો અપાતી નથી અને ડૉક્ટરો પણ માર્ગદર્શન આપતા નથી. 

પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ‘સત્તાવાર ધોરણે માહિતીના અભાવને કારણે અમે કોરોના વાઇરસનું ઇન્ફેક્શન ધરાવતી સગર્ભા મહિલાને સારવાર બાબતે માર્ગદર્શન આપી શકતા નથી. સરકારે નિર્દેશો આપ્યા છતાં કોરોના સિવાયના દરદીઓ માટે અલાયદી રાખવામાં આવેલી હૉસ્પિટલો બિનજરૂરી રીતે ૧૪ દિવસ માટે સીલ કરવામાં આવી છે. સ્થાનિક સત્તાતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ક્વૉરન્ટીન પ્રોટોકૉલ, સ્ટાફનાં ટેસ્ટિંગ, સરકારની માર્ગદર્શક સૂચનાઓને સમાન રીતે અનુસરતા નથી. સરકારે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ્સ અને N95 માસ્કની કિંમતો પર નિયંત્રણો મૂક્યાં નથી. વળી કિટ્સની પણ સખત તંગી છે.

હૉસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટરોનાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા નથી. કોવિડ-19ની મહત્ત્વની દવાઓ મોટા ભાગે ઉપલબ્ધ હોતી નથી. સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની સેવા માગતી વખતે પૂરતી કાળજી રાખવી જરૂરી બને છે. રાજ્ય સરકારે અન્ય બીમારીઓ ધરાવતા પંચાવન વર્ષથી વધારે ઉંમરના ડૉક્ટરોને કોવિડ-19ની ડ્યુટીથી મુક્ત રાખવાની જાહેરાત કરી હોવા છતાં એ ડૉક્ટરોને વારંવાર એક જ બાબતનાં ફૉર્મ્સ ભરવાની ફરજ પાડવામાં આવતાં તેઓ રોષે ભરાયા છે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown prajakta kasale