ચીનમાં રઝળી પડેલા મલાડના ડૉક્ટરોને મુંબઈથી ફાળો ભેગો કરી છોડાવવા પડ્યા

23 May, 2017 03:42 AM IST  | 

ચીનમાં રઝળી પડેલા મલાડના ડૉક્ટરોને મુંબઈથી ફાળો ભેગો કરી છોડાવવા પડ્યા

જયેશ શાહ

મલાડ મેડિકલ અસોસિએશનના ડૉક્ટરો પરિવાર સાથે વિદેશપ્રવાસે ગયા હતા, પરંતુ મુંબઈના ટૂર-ઑપરેટરે હોટેલ વગેરેની બુકિંગની પૂરતી રકમ જમા ન કરાવવાને કારણે આ ગ્રુપને હોટેલમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં મુંબઈથી મિત્રોએ રકમ એકઠી કરી એે વિદેશના ટૂર-ઑપરેરટરને મોકલી આપી હતી. મામલો સૂલટાઈ જતાં પચીસ જણનું આ ગ્રુપ આગળના તેમના પ્રવાસે જવા નીકળી ગયું હતું.

આ ઘટના વિશે મલાડ મેડિકલ અસોસિએશનના પ્રમુખે સ્થાનિક ટૂર-ઑપરેટર સામે દહિસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હવે આ ટૂર-ઑપરેટરને શોધી રહી છે.

મલાડ મેડિકલ અસોસિએશનના હોદ્દેદારોએ પોતાનું નામ નહીં આપવાની શરતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પચીસ જણની ટૂર ચીનના પ્રવાસે ગઈ હતી. તેઓ શેન્ઝેનમાં શનિવારે એક હોટેલમાં ઊતર્યા હતા, પરંતુ ટૂર-ઑપરેટરે ચીનના હોટેલ-ઓપરેટરને પૂરતી રકમ નહીં આપવાને કારણે બધા કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. તેમને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પૈસા ન મળે ત્યાં સુધી લૉબીમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી. ચીની ટૂર-ઑપરેટરે ભારત પાછા ફરવાની વ્યવસ્થા કરવાની પણ ના પાડી દીધી હતી. છેવટે નજીકના મિત્રો પાસેથી રકમ ઉઘરાવી અમે ચીન મોકલી આપી હતી અને ટૂર એના નિયત કાર્યક્રમ મુજબ આગળ વધી હતી. તેઓ મકાઉ જવા રવાના થયા હતા અને આ તમામ પચીસ જણ આજે હૉન્ગકૉન્ગથી રાતે મુંબઈ પરત આવશે.’

મલાડ મેડિકલ અસોસિએશનના પ્રમુખ ડૉ. હેમલ બરછાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે મેં સ્થાનિક ટૂર-ઑપરેટર સામે દહિસર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બીજિંગમાં ભારતીય એમ્બેસી શનિવારે અને રવિવારે બંધ રહેતી હોવાથી મલાડ મેડિકલ અસોસિએશને સુષમા સ્વરાજનો સંપર્ક કર્યો હતો અને વિનંતી કરી હતી કે આ ટૂરિસ્ટોને સલામત રીતે ઘરે પરત આવવામાં મદદ કરે. જોકે એમ્બેસીના એક અધિકારીએ કહ્યું હતું કે મુંબઈનો ટૂર-ઑપરેટર પૈસા ટ્રાન્સફર કરવામાં નિષ્ફળ જતાં આ સમસ્યા ઊભી થઈ હતી.

દહિસર પોલીસ-સ્ટેશનનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘મલાડ (વેસ્ટ)માં સુંદરનગરમાં રહેતા ડૉ. હેમલ બરછાની ફરિયાદ અનુસાર દહિસર (ઈસ્ટ)માં રહેતા સ્થાનિક ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસની એક ટીમ ગમે ત્યારે તેની ધરપકડ કરી શકે છે.’