વૅક્સિનેશન માટે આવતા સિનિયર સિટિઝનો માટે ડૉક્ટરો કરે છે અનોખી સમાજસેવા

05 March, 2021 08:33 AM IST  |  Mumbai | Mehul Jethva

વૅક્સિનેશન માટે આવતા સિનિયર સિટિઝનો માટે ડૉક્ટરો કરે છે અનોખી સમાજસેવા

મુલુંડ-વેસ્ટના જમ્બો કોવિડ સેન્ટરમાં ગઈ કાલે વૅક્સિન લેવા આવેલા સિનિયર સિટિઝનો.

એક તરફ મુંબઈમાં વૅક્સિન આપતાં બધાં જ સેન્ટરોમાં મોટી ભીડને કારણે નાગરિકો અને ડૉક્ટરો પરેશાન થતા જોવા મળે છે ત્યારે મુલુંડ-વેસ્ટમાં ચાલતા જમ્બો કોવિડ સેન્ટરમાં વૅક્સિન લેવા આવતા લોકોને ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પોતાના ખર્ચે ચા-નાસ્તો પ્રોવાઇડ કરે છે. એક સિનિયર ડૉક્ટરે જણાવ્યું હતું કે સિનિયર સિટિઝનો અનેક બીમારીથી પીડાતા હોય છે ત્યારે તેમના માટે અમારા તરફથી આ કામ સેવાભાવે કરવામાં આવે છે.

ત્રીજા ફેઝમાં સિનિયર સિટિઝનોને વૅક્સિન સરકારી હૉસ્પિટલોમાં મફતમાં આપવામાં આવતી હોવાથી મુંબઈની અનેક કોવિડ હૉસ્પિટલોમાં મોટી લાઇન અને અસ્વચ્છ વાતાવરણ જોવા મળે છે. કેટલીક જગ્યાએ પાણી પણ ઉપલબ્ધ હોતું નથી એટલે ત્યાં આવતા લોકોને ભારે જહેમત લેવી પડે છે. મુલુંડના જમ્બો કોવિડ સેન્ટરમાં ઉપલબ્ધ મેડિકલ સ્ટાફ તરફથી લોકોને ચા-નાસ્તો અને બિસલેરી આપવામાં આવે છે. વૅક્સિન લેવા પહેલાં સિનિયર સિટિઝને કો-વિન નામના પોર્ટલ પર પોતાની માહિતી ભરવાની હોય છે. એ ભરવાની સાથે તેમને ટાઇમ અને સમય આપવામાં આવે છે. જોકે ૭૦ ટકા સિનિયર સિટિઝનો આ માહિતી બરાબર ભરી શકતા ન હોવાથી જમ્બો સેન્ટર દ્વારા એક ટીમ રાખવામાં આવી છે જે લોકોને આવી વિગતો પૂરી પાડવામાં મદદરૂપ થાય છે.

ગઈ કાલે વૅક્સિન લેવા આવેલા અરવિંદ ભાનુશાલી અને તેમનાં પત્નીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કો-વિન પોર્ટલમાં કેવી રીતે રજિસ્ટ્રશન કરાવવું એ વિશે અમને માહિતી ન હોવાથી અહીં આવ્યા બાદ ઉપલબ્ધ અધિકારીઓએ અમને સારી મદદ કરી હતી. આ ઉપરાંત અહીં થોડો સમય લાગતાં તેમના તરફથી અમને ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો.’

સેન્ટરના મુખ્ય ડૉક્ટરનું શું કહેવું છે?

જમ્બો કોવિડ સેન્ટરના મુખ્ય ડૉક્ટર પ્રદીપ આંગ્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૅક્સિન લેવા આવતા સિનિયર સિટિઝનો પોતાની બીમારી અને ઉંમરથી પીડાતા હોય છે ત્યારે તેમને મહેમાનની રીતે અમે ટ્રીટ કરીએ છે. તેમને પાણીથી લઈને ચા-નાસ્તો આપવાની જવાબદારી અમારા પર લીધી છે. શાસન તરફ્થી આ લોકોને માત્ર પાણી આપવાની છૂટ છે. હાલમાં સ્પૉન્સર મળતા ન હોવાથી અમારા સ્ટાફ તરફ્થી છેલ્લા ૪ દિવસથી તેમના માટે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.’

mumbai mumbai news covid19 coronavirus mulund mehul jethva