ગુજરાત અપ-ડાઉન કરનારાઓએ શું રોજેરોજ કોવિડ-રિપોર્ટ કઢાવવા?

26 November, 2020 07:28 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

ગુજરાત અપ-ડાઉન કરનારાઓએ શું રોજેરોજ કોવિડ-રિપોર્ટ કઢાવવા?

સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ

મહારાષ્ટ્ર સરકારે કોરોનાની સેકન્ડ વેવની સાવચેતીરૂપે ગઈ કાલથી ગુજરાત, દિલ્હીથી રેલવે, રોડ અને ઍર માર્ગે આવતા લોકોને ૭૨ કલાકની અંદરનો કોવિડ નેગેટિવ રિપોર્ટ દેખાડીને મહારાષ્ટ્રમાં પ્રવેશવાની પરવાનગી મળશે એવો નિયમ બહાર પાડ્યો છે. એથી ગુજરાત, દિલ્હીમાં અટવાયેલા લોકોની મુંબઈ આવવા માટે દોડાદોડ થઈ ગઈ હતી. પરંતુ મુંબઈના મેર અને આહિર સમાજના અંદાજે પચાસેક ટકા લોકો ઉપરાંત હજારો લોકો વ્યાવસાયિક ધોરણે દરરોજ વાપી, અમદાવાદ, સુરત, નવસારી વગેરે ગુજરાતના ભાગોમાં જતા હોય છે. પરંતુ રાજ્ય સરકારના નવા નિયમને કારણે તેમની રોજીરોટી છિનવાઈ રહી હોય એવી પરિસ્થિતિ સરજાઈ છે.

નવી નિયમાવલીના કારણે ફરી ઘરે બેસવાનો વારો

કોરોના મહામારીના કારણે આઠ મહિનાથી ઘરે બેઠા હતા અને હવે મહારાષ્ટ્ર સરકારની આવી નિયમાવલી આવતાં ફરી ઘરે બેસવાનો વારો આવ્યો છે એમ જણાવતાં મલાડ (ઈસ્ટ)માં વીવીફૅબ નામનું લેડીઝ રેડીમેડ ગાર્મેન્ટનું મૅન્યુફૅક્ચરિંગનું કારખાનું ધરાવતા રાજુભાઈ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાને કારણે છેલ્લા આઠ મહિનાથી કામકાજ બંધ હોવાથી ઘરે જ બેઠા હતા. માંડ ક્યાંય ધંધો પાટે ચડાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ એવામાં મહારાષ્ટ્ર સરકારે આ નવી નિયમાવલી જાહેર કરતાં ફરી ઘરે બેસવાનો વારો આવ્યો છે. છેલ્લાં બાવીસ વર્ષથી અઠવાડિયામાં પાંચ વખત વાપી, નવસારી, સુરત, અમદાવાદ જઈને રીટેલર, હોલસેલર પાસેથી ઑર્ડર લેતા હોઈએ છીએ. ટ્રેન બંધ હોવાથી નાછૂટકે બાય રોડ પ્રવાસ કરીને જવું પડે છે. રાજ્ય સરકારના નવા નિયમ અનુસાર ૭૨ કલાકનો કોવિડ રિપોર્ટ આપવાનો છે. પરંતુ અમે દરરોજ જવાવાળા માટે આ રીતે રિપોર્ટ આપવો કેવી રીતે શક્ય છે? કામ નથી અને એની સામે વારંવાર રિપોર્ટ કાઢવાનો ખર્ચો અમને પોસાય એમ નથી.’

રેડીમેડ ગાર્મેન્ટ્સનો હરિ ઓમ ફૅબ્રિક્સ નામનો ટેડ્રિંગ વ્યવસાય કરતા વિજય ભોગસરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટા ભાગનો બિઝનેસ છેલ્લાં વીસ વર્ષથી વાપી, વલસાડ, નવસારી, સુરત, બારડોલી એટલે ગુજરાત બાજુએ કરી રહ્યા છીએ. દરરોજ સવારે જઈએ અને ઑર્ડર લઈને રાતે આવી જઈએ છીએ. ટ્રેન બંધ હોવાથી હાઇવેથી જવું ખૂબ ત્રાસદાયી અને ખર્ચાળ થઈ રહ્યું છે. પરંતુ ઘરખર્ચ નીકળે એટલે ધક્કો મારીને કામકાજ કરી રહ્યા છીએ. રિપોર્ટના ડરના માર્યા જ અમે જઈ શકીએ એમ નથી એથી સરકારે આ વિશે કંઈ કરવું જરૂરી છે.’

પચાસ ટકા લોકો દરરોજ ગુજરાત બાજુ પ્રવાસ કરે છે

શ્રી મુંબઈ મહેર સમાજ મુંબઈના પ્રમુખ દાસભાઈ ભોગેસરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેર અને આહિર સમાજના લોકો ગુજરાતથી ગાર્મેન્ટ અને શૂટિંગ-શર્ટિંગના વ્યવસાયથી જોડાયેલા છે. દરરોજ વાપી,વલસાડ નવસારી, સુરત સુધી જાય અને પરત મુંબઈ આવતા હોય છે. આજે મોટો પ્રશ્ન એ સતાવે છે કે આરટી-પીસીઆરનો રિપોર્ટ મહારાષ્ટ્રમાં આવવા ફરજિયાત કરાયો છે અને એ રિપોર્ટની સમયમર્યાદા ૭૨ કલાકની રહેશે તો અમારે અઠવાડિયામાં કેટલા રિપોર્ટ કઢાવવાના રહેશે? લોકો લાંબા સમય લૉકડાઉનમાં પોતાનો વ્યવસાય બંધ કરીને બેઠા હતા. હવે થોડી સીઝનલ ઘરાકીની આશા જણાઈ રહી હતી ત્યારે સરકારે આવા નિયમો નાખ્યા અને ફરી કામધંધા સાવ બંધ થઈ જાય એવા સમયના ભણકારા વાગી રહ્યા છે. રોજીરોટી માટે વ્યવસાયના અર્થે જતા લોકો માટે દર ૭૨ કલાકે આરટી-પીસીઆર રિપોર્ટ કાઢવો કેવી રીતે શક્ય છે? રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે અમારી સમસ્યા પર ધ્યાન આપે એવી અમારી માગણી છે.’

મહારાષ્ટ્ર સરકારે ગુજરાતથી આવતા લોકોને કોવિડ નેગેટિવ રિપોર્ટ હોય તો જ રાજ્યમાં આવવા દેવાનો નિયમ બહાર પાડતાં અમે તો ઝીરો થઈ જઈશું. અમારા જેવું કામ કરતા લોકોએ મહિનામાં એક વખત રિપોર્ટ આપવાનો હોય તો સમજાય પરંતુ અમે તો અઠવાડિયાના પાંચ દિવસ જઈએ છીએ તો ૭૨ કલાકનો રિપોર્ટ કઈ રીતે આપવો?
- વિજય ભોગસરા, રેડીમેડ ગાર્મેન્ટ્સના ટ્રેડર

mumbai mumbai news coronavirus covid19 preeti khuman-thakur