ભાયખલા જેલ કા બૉસ કૌન?

03 July, 2017 07:12 AM IST  | 

ભાયખલા જેલ કા બૉસ કૌન?



અનુરાગ કાંબળે

ભાયખલા જેલની અધિકારી મનીષા પોખરકરે એક વખત સામસામા ચણભણાટના અંતે મંજુલા શેટ્યેને ચેતવણી આપી હતી કે હું એક દિવસ તને પાઠ ભણાવીશ. મંજુલા જેલની વૉર્ડન તરીકે પોતાની વધતી વગનો દુરુપયોગ અન્ય કેદીઓને લાભ તથા રાહતો અપાવવા માટે કરતી હોવાનું ધ્યાનમાં રાખીને મનીષા તેને પાઠ ભણાવવા ઇચ્છતી હતી. એ પાઠ ભણાવવાનો અવસર મંજુલાને ૨૩ જૂને મળ્યો હતો.

ભાયખલા જેલમાં ૨૩ જૂને થયેલી ધાંધલ દરમ્યાન જેલર મનીષા પોખરકર જૂનું વેર વાળવા માટે કેદી મહિલાઓની નેતા બનવાનો પ્રયાસ કરતી મંજુલા શેટ્યે પર ક્રૂરતાથી ત્રાટકી હોવાનું મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું.

અગાઉ પણ કેદીઓને અયોગ્ય રીતે લાભ અને રાહતો અપાવવા માટે વગ અને વર્ચસનો દુરુપયોગ નહીં કરવાની ચીમકી મનીષા પોખરકરે મંજુલા શેટ્યેને આપી હતી. મંજુલાને તેની ભાભીની હત્યા બદલ આજીવન કેદની સજાનો આદેશ આપવામાં આવ્યો હતો.



મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યા પ્રમાણે ૪૦ વર્ષની મંજુલા જેલમાં યોગ અને ફિટનેસ-ટ્રેઇનર તરીકે લોકપ્રિયતા મેળવી રહી હતી. મંજુલાએ જેટલો વખત સજા ભોગવી એ દરમ્યાન તે ક્યારેય બીમાર પડી નહોતી કે તેને માથામાં દુખાવો પણ થયો નહોતો. યોગપ્રશિક્ષક અને ફિટનેસ-ટ્રેઇનર તરીકે તેના કૌશલને કારણે જેલમાં તેના અનુયાયીઓ વધતા જતા હતા. એ રીતે વગ અને વર્ચસ વધતાં હોવાથી એ પ્રભાવ પણ વધારવા માટે વૉર્ડન તરીકે મુલાકાતની ડ્યુટીમાં અન્ય કેદીઓને તેમનાં સગાં-સંબંધીને મળવાનો વધારે સમય આપવો (સામાન્ય રીતે ૧૫થી ૨૦ મિનિટ ફાળવાય છે, પરંતુ તેના અનુયાયીઓને ૩૦થી ૪૦ મિનિટ ફાળવવી), ફેવરિટ વ્યક્તિઓને વધારે ખાવાનું ઉપલબ્ધ કરાવવું વગેરે લાભ અપાવતી હતી. ધાંધલ થઈ એ શુક્રવારે (૨૩ જૂને) કેદીઓમાં પાઉં અને ઈંડાં વહેંચાતાં હતાં. એમાં મંજુલાએ તેના અનુયાયીઓને વધારે ખોરાક પહોંચાડતાં તંગી સર્જાઈ હતી. એ પરિસ્થિતિની જાણ મનીષા પોખરકરને થઈ હતી. રોજિંદા રાઉન્ડ્સ દરમ્યાન જેલર મનીષા પોખરકરે મંજુલાને આવો પક્ષપાત બંધ કરવા ચેતવી હતી. એમાં વાદવિવાદ થયો ત્યારે મનીષાએ મંજુલાને કહ્યું હતું કે ‘મી તુલા એક દિવસ ધડા શિકવેન (હું તને એક દિવસ પાઠ ભણાવીશ). એ પાઠ ભણાવવાનો અવસર મનીષાએ ૨૩મીએ ઝડપી લીધો હતો. ૨૩ જૂને અન્ય કેદીઓની ફરિયાદોના આધારે મનીષાએ મંજુલાને તેની ઑફિસમાં બોલાવીને પછી પાઠ ભણાવ્યો હતો. એ દિવસે મનીષા ઉપરાંત વસીમા શેખ, શીતલ શેગાંવકર, સુરેખા ગુળવે, આરતી શિંગણે વગેરે જેલ-અધિકારીઓ અને સ્ટાફરોએ પણ તેની બેફામ મારઝૂડ કરતાં તે મૃત્યુ પામી હતી.

તપાસ સાથે સંકળાયેલા અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘જેલમાં કેદીઓની યોગશિક્ષિકા બનેલી મંજુલા યેરવડા જેલથી ભાયખલા જેલમાં કેદીઓની વૉર્ડનરૂપે આવી ત્યારથી જેલર મનીષા પોખરકરને તે ખૂંચતી હતી. મંજુલાને કેદીઓને મળવા જતા લોકોની મુલાકાતની ડ્યુટી સોંપવામાં આવી હતી. મંજુલાએ કેદીઓને તેમનાં સગાંસંબંધીઓને મળવાનો પૂરતો સમય મળે એનો ખ્યાલ રાખવાનો હતો, પરંતુ મંજુલા ફક્ત ટૂંકી મુલાકાતોની છૂટ આપતી હોવાની ફરિયાદ અન્ય કેદીઓએ મનીષા પોખરકરને કરી હતી.’


મનીષા પોખરકર જેલ-વિભાગમાં કૉન્સ્ટેબલ તરીકે જોડાઈ હતી અને પ્રમોશન થતાં-થતાં જેલર (ગ્રેડ-૨) બની હતી. તે કોઈની ગુસ્તાખી કે અક્કડપણું સહન કરી શકતી નહોતી. ૨૩ જૂને અન્ય કેદીએ મુલાકાત બાબતે ફરિયાદ કરી ત્યારે મનીષા પોખરકરે મંજુલાને તેની ઑફિસમાં બોલાવી હતી. અગાઉ નાસ્તામાં પાઉંની સાથે ઈંડાં ન આપવાના મુદ્દે જેલના અધિકારીઓ સાથે બાખડેલી મંજુલા પર મનીષાનો ક્રોધ વરસી પડ્યો હતો. ઑફિસમાં તેને માર્યા પછી મંજુલાને બૅરેક્સમાં ખેંચી જવામાં આવી હતી. ત્યાં જેલની ગાડ્ર્સ બિન્દુ નાઇકોડી અને શીતલ શેગાંવકરે મંજુલાનાં કપડાં ઉતાર્યા હતાં અને ખૂબ મારઝૂડ કર્યા પછી તેને બેભાન હાલતમાં ત્યાં જ છોડી દીધી હતી.

સાંજે ૬ વાગ્યે મંજુલા ભાનમાં આવી ત્યારે તેણે કેદી અને નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદી મરિયમ શેખ તથા અન્ય કેદીને વૉશરૂમમાં લઈ જવાનું કહ્યું હતું. વૉશરૂમમાં તે ફરી બેભાન થઈ જતાં જેલના ડૉક્ટરને જાણ કરવામાં આવી હતી. ડૉક્ટરની સૂચનાથી મંજુલાને તાકીદે થ્થ્ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં ડૉક્ટરોએ મંજુલા મૃત્યુ પામી હોવાનું જણાવ્યું હતું. જેલનો સ્ટાફ મંજુલાને એકથી બીજી જગ્યાએ ખેંચી જતો હોવાનું CCTV કૅમેરાના ફુટેજમાં જોઈ શકાતું હોવાનું તપાસ-અધિકારીએ જણાવ્યું હતું.


વધુ એક મહિલા કેદી સાક્ષી તરીકે જુબાની આપવા તૈયાર

ભાયખલાની જેલમાં મહિલા કેદી મંજુલા શેટ્યેની હત્યાના કેસમાં શનિવારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ છ મહિલા આરોપીઓની ધરપકડ કરી હતી. આ છ આરોપીઓમાંથી એક મહિલા આરોપીની શનિવારે સવારના સમયે ધરપકડ થઈ હતી. તેને કોર્ટમાં રજૂ કરતાં ૭ જુલાઈ સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી. એ સિવાયની અન્ય પાંચ મહિલા આરોપીઓની શનિવારે રાતના સમયે ધરપકડ થઈ હતી. તેમને ગઈ કાલે હૉલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૭ જુલાઈ સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.

કેદી મંજુલા શેટ્યેની હત્યાના કેસમાં ઘટના વધુ એક કેદી ઇન્દિરા કરકેરાએ કોર્ટમાં મૌખિક જુબાની આપવા માટે અરજી કરી છે. ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગના કેસમાં તે ભાયખલા જેલમાં એક વર્ષથી બંધ છે. ઇન્દિરાના ઍડ્વોકેટે ગઈ કાલે હૉલિડે કોર્ટમાં પોતાની ક્લાયન્ટ વતી અરજી કરતાં જજને કહ્યું હતું કે મારી અસીલ આ કેસમાં મૌખિક જુબાની આપવા માગે છે. આ ઉપરાંત અન્ય ત્રણ કેદીઓએ પણ જુબાની આપવાની તૈયારી બતાવી છે.