હીરાના વેપારીઓ સાથે ૨૫.૫૯ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર મલાડના બ્રોકરની ધરપકડ

20 February, 2017 07:32 AM IST  | 

હીરાના વેપારીઓ સાથે ૨૫.૫૯ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર મલાડના બ્રોકરની ધરપકડ



વિજયકુમાર યાદવ


હીરાના ૧૪ વેપારીઓ સાથે ૨૫.૫૯ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર મુંબઈ પોલીસની EOW (ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ)એ કાંદિવલીની ૩૪ વર્ષની ડાયમન્ડ-ડીલર મહિલા દુર્ગા મામતોરા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને મલાડમાં રહેતા તેના સાથીદાર ડાયમન્ડ-બ્રોકર કલ્પેશ શાહની પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. મહિલાની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે એવું પોલીસ-અધિકારીઓએ જણાવ્યું છે.

દુર્ગા અને કલ્પેશ ૨૦૧૩થી એકમેકના સંપર્કમાં છે અને બન્ને સાઉથ મુંબઈના પંચરત્ન બિલ્ડિંગમાં પ્રૉફિટેબલ રેટથી ડાયમન્ડના ટ્રેડિંગનું કામ કરતાં હતાં.

૩૮ વર્ષના ફરિયાદી હેમંત શાહ ડાયમન્ડ-ટ્રેડર છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે ‘મેં અને અન્ય ડાયમન્ડ-ટ્રેડરોએ ૨૦૧૩માં ડાયમન્ડ અને જ્વેલરી ૨૫થી ૩૫ હજાર પ્રતિ કૅરેટના ભાવે દુર્ગાને આપી હતી. દુર્ગાએ એ માલ કલ્પેશને આપ્યો હતો.’

શરૂઆતમાં ડાયમન્ડ વેચી તેમને રેગ્યુલર પૈસા આપીને બન્નેએ ટ્રેડરોનો વિશ્વાસ જીતી લીધો હતો જેથી કોઈને તેમના પર શંકા ન જાય. આ કેસની માહિતી આપતાં એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘૨૦૧૩થી ૨૦૧૬ સુધીમાં કલ્પેશ અને દુર્ગાએ ટ્રેડરો પાસેથી પંચાવન કરોડ રૂપિયાના હીરા લીધા હતા જેમાંથી તેમણે ટ્રેડરોને ૩૩ કરોડના હીરા પાછા આપ્યા હતા. એ પછી હીરાના વેપારીઓએ દુર્ગાને બાકીના હીરા પાછા આપવા બાબતે પૂછતાં તેમણે કૅરેટદીઠ ૧૯,૦૦૦ રૂપિયાના ભાવે હીરા વેચ્યા છે કહીને બાકીના ૨૨.૩૨ કરોડ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો.’

એ પછી ટ્રેડરોએ આ મહિનાના પહેલા અઠવાડિયામાં EOWના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. પહેલાં ચારકોપ પોલીસે આ કેસ નોંધ્યો એ પછી EOWના અધિકારીઓને ટ્રાન્સફર કર્યો હતો.

તપાસ દરમ્યાન વધુ બે ડાયમન્ડ-ટ્રેડર આશિષ શાહ અને દેવાંગ ભૂવા પણ ફરિયાદ માટે આગળ આવ્યા હતા અને આરોપીઓએ તેમને ૧.૫૦ કરોડ તેમ જ ૧.૭૭ કરોડ રૂપિયામાં છેતર્યા હોવાનું તપાસ કરનાર અધિકારીઓને કહ્યું હતું. એ ફરિયાદ મળ્યા બાદ આ કેસની કુલ રકમ ૨૫.૫૯ કરોડ સુધી પહોંચી છે. ડાયમન્ડ અને રોકડ ક્યાં છે એની તપાસ પોલીસ કરી રહી છે.