હનુમાન સંત છે, ભગવાન નથી જ

07 March, 2021 07:15 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

હનુમાન સંત છે, ભગવાન નથી જ

પવનપુત્ર હનુમાન

સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ ગયા વર્ષના નવેમ્બર મહિનામાં થાણેમાં કરેલી સત્સંગ સભા દરમ્યાન એક હરિભક્તે હનુમાનજી વિશે પૂછેલા સવાલનો સ્વામીજીએ જે જવાબ આપ્યો હતો એને લઈને હવે જોરદાર વિવાદ ઊભો થયો છે. વાત એટલી આગળ વધી ગઈ છે કે સત્સંગ સભા દરમ્યાન થયેલી આ પ્રશ્રોત્તરીની ક્લિપ જબરદસ્ત વાઇરલ થઈ છે અને એના આધારે હનુમાનજીના ભક્તોએ સ્વામીજીની ખિલાફ પોલીસમાં ફરિયાદ કરી છે. જોકે પોલીસ સ્વામીજીને બોલાવીને તેમનું સ્ટેટમેન્ટ લીધા બાદ આગળની કાર્યવાહી કરવાનું કહી રહી છે.

ભુજ સ્વામીનારાયણ મંદિરના સ્વામી અક્ષરમુનિદાસને ૧૫ નવેમ્બરની સત્સંગ સભામાં એક હરિભક્તે પૂછ્યું હતું કે હનુમાનજી મહારાજને સંત કહેવાય કે ભગવાન કહેવાય? આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીએ કહ્યું હતું કે ‘જો હનુમાનજી છેને તેને સંત આપણે ચોક્કસ કહી શકીએ, કેમ કે તે મહાન બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા છે. એટલે સંત છે, બરોબર? અને આમેય ભગવાનના ભક્ત છે. હનુમાનજી છે એ કોઈ ભગવાન નથી, પણ ભગવાનને ભજી-ભજીને અને ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે તેને પોતાના સમાન પૂજનીય બનાવ્યા. જો એ વાત તો બને નારદજી છે, શુકજી છે, સનકાદિકો છે આ બધાય હનુમાનજી મહારાજની જેમ જ પૂજનીય છે, પૂજાય છે પણ એ કોઈ ભગવાન નથી. એ બધા ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્ત છે એટલે એ સંત છે. એમને સંત કહી શકીએ, બ્રહ્મચારી કહી શકીએ, ભગવાનના ઉત્તમ શ્રેષ્ઠ ભક્ત કહી શકીએ; પણ હનુમાનજી મહારાજ છે એ ભગવાન ન કહી શકાય.’

તેમના આ જવાબને લઈને હનુમાનજીના ભક્તો જોરદાર નારાજ થઈ ગયા છે. મીરા રોડમાં આવેલા શ્રી ઇચ્છાપૂર્તિ હનુમાનજીદાદા મંદિરના મહારાજ અને ભાગવતવક્તા અશોકદાદા પંડ્યાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર એક સ્વામી હનુમાનજીને ભગવાન નહીં પણ સંત હોવાનો દાવો કરતું નિવેદન આપી રહ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ કહ્યું હતું કે હનુમાનજી ભગવાન નથી, એ સંત છે. તેમને ભગવાન ન કહેવાય એવું નિવેદન આપીને હનુમાનજીનું ઘોર અપમાન કરીને અમારી ધાર્મિક લાગણીને દુભાવી છે, હિન્દુ સનાતન ધર્મની જનતાની લાગણીને દુભાવી છે તો અમે તેમના આ મંતવ્યનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમારા વિરોધને લઈને અમે નયાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. કોઈનો પણ અધિકાર નથી કે તે કોઈ ભગવાન વિશે ટિપ્પણી કરી જાય. અમે આજ સુધી કોઈ ધર્મ હોય કે સમાજના ઇષ્ટ દેવતા બધાને પૂજનીય માનીએ છીએ અને એક શબ્દ પણ બોલતા નથી. હનુમાનજી સાધુ સમાજના ઇષ્ટ દેવતા પણ છે. હનુમાનજી ચિરંજીવ છે એટલે કે તેઓ હાજરાહજૂર છે. તેઓ મહાદેવનો અગિયારમો રુદ્ર (અંશ) છે.’

સ્વામીનારાયણ સંપ્રદાયના આ કહેવાતા સ્વામી દ્વારા સનાતન હિન્દુ ધર્મના અતિ પ્રિય ભગવાન એવા હનુમાનજીદાદાનું અપમાન કરવામાં આવ્યું છે એમ જણાવીને તેમણે વધુમાં કહ્યું હતું કે ‘હું તેમના આ શબ્દોને સખત શબ્દોમાં વખોડીને તે સ્વામીને સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી તાત્કાલિક ધોરણે બહાર કાઢી નાખવાની માગણી કરું છું. જો સંપ્રદાય દ્વારા એ સ્વામી સામે પગલાં નહીં લેવાય તો હજારોની સંખ્યામાં સેવકગણ સાથે હું અનશન પર બેસીશ અને આ દરમ્યાન જો અમને કોઈને કંઈ પણ થશે તો એની જવાબદારી માત્ર ને માત્ર આ કહેવાતા સ્વામીની રહેશે.’

આ બાબતે એક જાહેર ખુલાસો બહાર પાડવામાં આવ્યો છે જેમાં ખુલાસાના અંતમાં લિ. સ્વામી અક્ષરમુનિદાસજીના જય શ્રીસ્વામીનારાયણ... જય શ્રીરામ... જય શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ લખવામાં આવ્યું છે. આ ખુલાસમાં અક્ષરમુનિદાસે લખ્યું છે કે ‘અમોએ સત્સંગ સભામાં ઉત્તર આપેલ છે. એમાં હનુમાનજી મહારાજ વિશે કોઈ પણ જાતનો ખરાબ શબ્દનો પ્રયોગ કર્યો નથી કે કોઈ પણ ભક્તની લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કરેલો નથી, કારણ કે અમો પોતે પણ હનુમાનજી મહારાજમાં પરંપરાથી શ્રદ્ધા-આસ્થા ધરાવતા આવ્યા છીએ. અમારાં પોતાનાં મંદિરોમાં પણ હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા પરંપરાથી કરતા આવ્યા છીએ અને હનુમાનજી મહારાજની આરતી, પૂજા અને તહેવારોએ હનુમાનજી મહારાજના ઉત્સવો પણ યોજીએ છીએ. અમોએ જે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, જેમાં રામાયણનો પણ અભ્યાસ કરેલો છે, એમાં પણ ભગવાન શ્રીરામના શ્રેષ્ઠ ભક્ત તથા સેવક તરીકે હનુમાનજીનું વર્ણન કરેલ છે. અને ભગવાન શ્રીરામના મંદિરમાં પણ હનુમાનજી મહારાજનું તે રીતે મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને તેની પૂજા, આરતી વગેરે કરવામાં આવે છે અને અમોએ આપેલ જવાબમાં અમારો કોઈ ખરાબ ઇરાદો નથી. કોઈની લાગણી દુભાય એવો લેશમાત્ર ઇરાદો નથી. અને મેં કદી પણ હિન્દુ દેવતાઓ, દેવીઓ કે મોટા સંતોનું અપમાન કે ખંડન કરેલ નથી અને તેવા અમારા સંસ્કારો પણ નથી. તેમ છતાં અમારા જવાબથી કોઈ પણ હરિભક્ત કે કોઈ પણ વ્યક્તિને મનદુ:ખ થયું હોય, લાગણી દુભાઈ હોય તો તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું. આપ સર્વે મને નાનો સાધુ જાણીને મારા ઉપર રાજી રહેજો.’
આ ખુલાસાના સંદર્ભમાં ‘મિડ-ડે’એ સ્વામી અક્ષરમુનિદાસજીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેમનો ફોન રિંગ જતો હતો. ત્યાર બાદ તેમને મેસેજ કરીને પૂછ્યું હતું કે ‘આપે જે ખુલાસો જાહેર કર્યો છે એ મુજબ હનુમાનજી એક સંત હતા અને ભગવાન નહીં એ વિધાન બાબતે સ્પષ્ટ જવાબ નથી. તો આ બાબતે આપ સ્પષ્ટતા કરો એવી વિનંતી છે.’

આ સિવાય પોલીસે તેમને સ્ટેટમેન્ટ નોંધવા માટે બોલાવ્યા છે કે નહીં એ વિશે પણ સ્વામીજીને પૂછવામાં આવ્યું હતું. જોકે આ પ્રશ્નો બાબતે સ્વામીજી તરફથી ‘મિડ-ડે’ને કોઈ જવાબ મળ્યો નહોતો.

પોલીસનું શું કહેવું છે?
નયાનગર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કૈલાશ ભરવેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ સંદર્ભે મીરા રોડમાં આવેલા શ્રી ઇચ્છાપૂર્તિ હનુમાનજીદાદા મંદિરના લોકો મારી પાસે ફરિયાદ કરતી અરજી લઈને આવ્યા હતા. મેં એ લીધી છે અને આ વિશે તપાસ કરવાનું તેમને આશ્વાસન આપ્યું છે. જે સ્વામી બોલ્યા છે તેમને અને ફરિયાદીને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે અને આગળ એ પ્રમાણે કાર્યવાહી થશે.’

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ કહ્યું હતું કે હનુમાનજી ભગવાન નથી, એ સંત છે. તેમને ભગવાન ન કહેવાય એવું નિવેદન આપીને હનુમાનજીનું ઘોર અપમાન કરીને અમારી ધાર્મિક લાગણીને દુભાવી છે, હિન્દુ સનાતન ધર્મની જનતાની લાગણીને દુભાવી છે.
- અશોકદાદા પંડ્યા, મીરા રોડના શ્રી ઇચ્છાપૂર્તિ હનુમાનજીદાદા મંદિરના મહારાજ

mumbai mumbai news preeti khuman-thakur