તબલાતોડ તૂતૂ-મૈં મૈં

04 March, 2021 07:27 AM IST  |  Mumbai | Mid-day Correspondent

તબલાતોડ તૂતૂ-મૈં મૈં

દેવેન્દ્ર ફડણવીસ

વિધાનસભામાં વિરોધ પક્ષે કરેલા આરોપનો જવાબ આપતી વખતે ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જોરદાર ફટકાબાજી કરી હતી. તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર સીધો હુમલો કર્યો હતો. અમિત શાહે તાજેતરમાં સિંધુદુર્ગમાં ઉદ્ધવ ઠાકરે અને શિવસેના પર નિશાન તાક્યું હતું એનો જવાબ તેમણે વિધાનસભામાં આપ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ બીજેપીને હિન્દુત્વ પર આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેને તમે યાદ કરો છો એ માટે હું આભાર માનીશ, પણ તમને અત્યારે બાળાસાહેબની યાદ કેમ આવે છે? બાળાસાહેબની રૂમમાં જ્યારે અમિત શાહ અને મારી ચર્ચા થઈ હતી ત્યારે દેવેન્દ્ર ફડણવીસને રૂમની બહાર બેસાડાયા હતા. અંદર અમે બે જ હતા. બંધ દરવાજે થયેલી ચર્ચા તમે બેશરમ બનીને બહાર આવીને કેવી રીતે નકારી શકો? આ શબ્દ ગેરબંધારણીય હોવા છતાં હું બોલીશ. બંધ દરવાજામાં થયેલી ચર્ચા થયા બાદ બહાર આવીને ખોટું બોલવું એ જ તમારું હિન્દુત્વ છે? બાળાસાહેબ પરનો તમારો આ જ પ્રેમ છે? ૨૦૧૪માં યુતિ તોડી ત્યારે પણ અમે હિન્દુ હતા, આજેય છીએ અને ભવિષ્યમાં પણ હિન્દુ જ રહીશું.’

ઉદ્ધવ ઠાકરેએ એવી આકરી ટીકા કરી હતી કે ‘બાબરી મસ્જિદ તોડી પડાઈ ત્યારે બધા પલાયન થઈ ગયા હતા. માત્ર બાળાસાહેબ જ સામી છાતીએ ઊભા રહ્યા હતા એ ધ્યાનમાં રાખજો. મારા શિવસૈનિકોએ બાબરી તોડી પાડી હશે તો તેનો મને ગર્વ છે. રામ મંદિર સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી બની રહ્યું છે. હવે મંદિર બનાવવા માટે ઘરે ઘરે પૈસા માગતા ફરી રહ્યા છો. આમ કરીને બીજેપી પોતાના પ્રયાસથી રામ મંદિર બની રહ્યું હોવાનો દેખાડો કરી રહ્યો છે.’

ઉદ્ધવ ઠાકરેએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કરવાની ટીખળ ઉડાડતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે આપણે એક પણ મૅચ નહીં હારીએ, કારણ કે સ્ટેડિયમનું નામ બદલી નખાયું છે. વીર સાવરકર માટે બીજેપી ખૂબ પ્રેમ દેખાડે છે તો તેમને ભારતરત્ન આપવા માટે અમે બે વખત પત્ર મોકલ્યો છે. તેઓ શા માટે નથી આપતા? બાળાસાહેબ ઠાકરેએ ૧૯૮૮માં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાની માગણી કરી હતી. શિવસેના હવે સત્તામાં છે ત્યારે એ માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે. માત્ર ભારત માતા કી જય બોલવાથી દેશપ્રેમ સાબિત નથી થતો.’

આ સિવાય લૉકડાઉનના મુદ્દા પર તેમણે કહ્યું હતું કે ‘અમુક લોકોને ફક્ત વેપારીઓની ચિંતા થઈ રહી છે. થવી જોઈએ, એમાં કંઈ ખોટું નથી. જોકે મારું કહેવું છે કે કોઈ એક જણની ચિંતા કરવાને બદલે બધાની ચિંતા કરવી જોઈએ. આપણા માટે દિવસ-રાત એક કરી રહેલા આરોગ્યકર્મીની પણ ચિંતા કરો.’

ખંડણીબહાદુરોને સમર્પણ નહીં સમજાય : દેવેન્દ્ર ફડણવીસ

ઉદ્ધવ ઠાકરેના હુમલા બાદ દેવેન્દ્ર ફડણવીસે જવાબી હુમલામાં કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનને ઇતિહાસની માહિતી નથી. તેમણે અજ્ઞાનતાથી ભાષણ આપ્યું. જે ખંડણી વસૂલ કરે છે તેમને રામમંદિર માટે જનતાએ કરેલા સમર્પણની કિંમત શું હોય? મુખ્ય પ્રધાનને પડકાર છે કે તેઓ ઔરંગાબાદનું નામ બદલી કરે. તેમના માટે આમ કરવું શક્ય જ નથી. બાબરી મસ્જિદ તોડવા માટે શિવસેનાનો એક પણ માણસ નહોતો ગયો. ઢાંચો તોડવા માટે હજારો કારસેવકો હતા. અમે હતા. એક કલાકના ભાષણમાં તેમણે ચીન, પાકિસ્તાન, પંજાબ અને ઉત્તર પ્રદેશ વિશે કહ્યું, પણ મહારાષ્ટ્ર માટે કંઈ બોલી ન શક્યા. તેમને મુખ્ય પ્રધાન બન્યાને ઘણા દિવસો થયા હોવા છતાં તેમને કોઈ ચોકમાં અને વિધાનસભામાં કરાતા ભાષણનો ફરક બાબતે સમજણ નથી. સભાગૃહમાં મુદ્દાઓ પર બોલવાનું હોય છે, રાજ્યના પ્રશ્નો વિશે બોલવાનું હોય. કમનસીબે તેમણે ખેડૂતો બાબતે એક શબ્દ પણ નથી કહ્યો. અમિત શાહે કોઈને વચન નહોતું આપ્યું. ખોટું બોલવાનું આ નવું રૂપ જોવા મળ્યુ. તેઓ મહારાષ્ટ્રના એક પણ સવાલ પર બોલ્યા નથી.’

mumbai mumbai news uddhav thackeray devendra fadnavis