પંજાબ-હરિયાણાના સવા લાખ લોકોનું મુંબઈમાં સફાઈ અભિયાન

29 October, 2014 03:21 AM IST  | 

પંજાબ-હરિયાણાના સવા લાખ લોકોનું મુંબઈમાં સફાઈ અભિયાન


વિદ્યાવિહારમાં ગુરમીત સિંહના અનુયાયીઓ જાતે રસોઈ બનાવી રહ્યા છે.




રોહિત પરીખ

મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓએ મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવું જોઈએ એને બદલે મુંબઈ શહેર અને એનાં ઉપનગરોને સ્વચ્છ કરવાનું કાર્ય બે દિવસથી હરિયાણા અને પંજાબથી આવેલા ડેરા સચ્ચા સૌદા નામના સંગઠનના આધ્યાત્મિક ગુરુ ગુરુમીત રામ રહીમ સિંહજી ઇન્સાંના સવા લાખ અનુયાયીઓએ હાથ ધર્યું હતું. તેઓ ગઈ કાલે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સમાં આયોજિત એક સત્સંગ માટે મુંબઈ આવ્યા હતા. જોકે આ સ્વચ્છતા-૧કાર્ય પછી આ અનુયાયીઓ પાસે પૂરતી મશીનરી ન હોવાથી તેમણે ઠેર-ઠેર કચરાના અને ગંદકીના ઢગલા રસ્તા પર મૂકી દીધા છે જેને ઉપાડવાનું કામ સુધરાઈનું છે, પણ સુધરાઈ તરફથી કોઈ જ મશીનરી એના માટે તૈયાર નહોતી. ઊલટાનું સુધરાઈના અધિકારીઓ તેમની પાસે કચરો ઉપાડવા માટે વૅન નથી, એનો પ્રબંધ કરવો પડશે જેવાં બહાનાં આગળ ધરતા જોવા મળ્યા હતા. હવે આ કચરાના ઢગલા અને ગંદકી ઉપાડવામાં સુધરાઈ કેટલા દિવસ લગાડશે એવો સવાલ ઊભો થયો છે.

હકીકતમાં તો કરોડો રૂપિયાનો પગાર લેતા ઑફિસરો અને કચરો તથા ગંદકી સાફ કરવા માટે કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ આપતી મહાનગરપાલિકાનું કામ છે શહેર અને ઉપનગરને સાફ કરવાનું.

 આની સામે હરિયાણા અને પંજાબથી આવેલા ગુરમીત સિંહના સવા લાખ અનુયાયીઓએ બે દિવસમાં મુંબઈની રોનક જ બદલી નાખી છે. આ અનુયાયીઓમાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો પણ હતા એટલું જ નહીં; એમાં ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો, વેપારીઓ જેવા અનેક એજ્યુકેટેડ લોકો પણ શેહશરમ રાખ્યા વગર કચરો અને ગંદકી સાફ કરતા હતા.

આ અનુયાયીઓની સફાઈકામની વિશેષતા એ હતી કે જે ગટરો સુધરાઈના કર્મચારીઓએ વષોર્થી સાફ નહોતી કરી એને પણ તેમણે સાફ કરીને મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સફળતા મેળવી હતી. ગઈ કાલે વૉટ્સઍપ અને અન્ય સોશ્યલ સાઇટ્સ પર મુંબઈગરાઓ આ બાબતની ચર્ચા કરતા હતા તેમ જ આ સમાચાર આપવા મીડિયાના ફોન રણકતા હતા. મુંબઈગરાઓએ મુંબઈમાં કોઈ મહાનુભાવો આવે ત્યારે જ આવી સફાઈ અને ચોખ્ખાઈ જોઈ હતી (એ પણ જે વિસ્તારમાં એ મહાનુભાવ આવવાના હોય એટલામાં જ) એને બદલે અનેક લોકો તો તેમની સાથે સફાઈકામમાં જોડાઈ પણ ગયા હતા, પણ કમનસીબી એ હતી કે તેઓ જે કચરો ભેગો કરતા હતા એ ત્યાંથી ઉપાડવા માટે સુધરાઈના કર્મચારીઓની ટીમ તૈયાર જ નહોતી.

જમવાની અને પાણીની વ્યવસ્થા

નવાઈની વાત તો એ હતી કે આટલું મોટું સત્કાર્ય કરવા નીકળેલા આ અનુયાયીઓ માટે સુધરાઈ કે કોઈ સંસ્થા તરફથી જમવાની કે પીવાના પાણીની વ્યવસ્થા નહોતી. તેઓ તેમની સાથે જ આ બધી અરેજમેન્ટ કરીને આવ્યા હતા. ઊલટાનું સુધરાઈના કે કૉન્ટ્રૅક્ટરના અમુક કર્મચારીઓએ પોતે કરવાનું સફાઈનું કામ આ લોકો પાસે કરાવી લીધું હતું. વિદ્યાવિહાર (ઈસ્ટ)ના ચિતરંજન નગરના સામાજિક કાર્યકર અમિત શાહ અને સ્થાનિક રહેવાસીઓ તેમના માટે નાસ્તા અને પાણીની વ્યવસ્થા કરવા માટે આગળ આવ્યા તો તેમણે એ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આખરે સ્થાનિક રહેવાસીઓએ તેમને પ્રસાદ સમજીને આરોગવા કહ્યું ત્યારે તેઓ તૈયાર થયા હતા.

ઈશ્વરને પામવાનો રસ્તો

સફાઈકાર્ય કરીને એનો અહમ રાખવાને બદલે આ અનુયાયીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું કામ રસ્તા અને ગટરોની સફાઈના માધ્યમથી ઈશ્વર સુધી પહોંચવાનું છે. આ સફાઈથી ફક્ત રોગોમાંથી જ નહીં, પણ લોકોનેમાથે આવતી આફતોમાંથી પણ મુક્તિ મળશે.’


આધ્યાત્મિક ગુરુનું અનોખું અભિયાન અને તેમના અનોખા અનુયાયીઓ



ગઈ કાલે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સમાં પૂનમ સિંહા અને પૂનમ ઢિલ્લન સાથે સાફસફાઈ કરતા ગુરમીત રામ રહીમ સિંહ. તેમના અનુયાયીઓનું આ અભિયાન પ્રત્યેનું સમર્પણ એવું હતું કે એક મહિલા તો હાથમાં નાનું બાળક લઈને કચરો ભેગો કરી રહી હતી.