બોરીવલીના નૅશનલ પાર્કને અને આરે કૉલોની પાર્કને જૉ​ગિંગ માટે ખોલવાની માગ

06 September, 2020 11:08 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

બોરીવલીના નૅશનલ પાર્કને અને આરે કૉલોની પાર્કને જૉ​ગિંગ માટે ખોલવાની માગ

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19ને કારણે પાંચ મહિનાથી લૉકડાઉન ચાલી રહ્યું છે અને અનલૉક-4 અંતગર્ત હોટેલ વગેરે ખોલવાની પરમિશન મળી ગઈ છે ત્યારે બોરીવલી (ઈસ્ટ)માં આવેલો સંજય ગાંધી નૅશનલ પાર્ક અને ગોરેગામમાં આવેલો આરે મિલ્ક કૉલોની પાર્ક બંધ છે. માત્ર જૉગિંગ-વૉકિંગ કરવા માટે પાર્કને ખોલવા માટે સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને આવેદન પત્ર આપી સંજય ગાંધી નૅશનલ પાર્ક અને આરે મિલ્ક કૉલોની પાર્ક ખોલવાની માગણી કરી છે. જોકે અમુક પબ્લિકની ડિમાન્ડ છે કે જૉગિંગ, વૉકિંગ, રનિંગ કે સાઇક્લિંગ કરવા માટે ગાઇડલાઇન ફૉલો કરીને સંજય ગાંધી નૅશનલ પાર્ક અને આરે મિલ્ક કૉલોનીને ખોલવા જોઈએ, જ્યારે અમુક લોકોનું કહેવું છે કે નૅશનલ પાર્ક ખોલીને વન્ય જીવો કે વન્ય સૃષ્ટિને ખલેલ ન પહોંચાડવી જોઈએ.

પંકજ ત્રિવેદી

નગરસેવકની રજૂઆત

બોરીવલી વૉર્ડ-નંબર ૧૩ના નગરસેવક વિદ્યાર્થી સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નૅશનલ પાર્કને જૉગિંગ માટે માત્ર ખોલવો જોઈએ એ અમારી પણ ડિમાન્ડ છે. રહી વાત કોરોના કેસની તો સવારે વૉકિંગ કે જૉગિંગ કરવા આવતા લોકો પોતે પણ સમજદાર હોય છે. વૉકિંગ કે જૉગિંગ કરતા લોકો આમેય દૂર-દૂર રહેતા હોય છે. પાર્કમાં ખાલી ફરવા આવનારા લોકો માટે નહીં, પરંતુ વૉકિંગ કરનારાઓ કે જૉગિંગ કરનારાઓ માટે યોગ્ય પ્રિકોશન લઈને સંજય ગાંધી નૅશનલ પાર્કને તો ખોલવો જોઈએ.’

અનિલ પંડ્યા

પબ્લિકનું શું કહેવું છે?

પંદર વર્ષથી હું બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં જૉગિંગ કરવા રોજ જતો હતો એમ જણાવતાં બોરીવલીમાં રહેતા પંકજ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોમાસું, ઉનાળો કે શિયાળો કોઈ પણ સીઝન હોય, એકેય દિવસ મિસ કર્યા વગર હું રોજ નૅશનલ પાર્કમાં દોડવા જતો હતો અને આખો દિવસ મારો ફ્રેશ જતો. પર્યાવરણની વચ્ચે થોડો સમય પસાર કરવાથી તાજગીનો અનુભવ થાય છે. ચાર મહિનાથી નૅશનલ પાર્ક બંધ છે એથી જૉગિંગ માટે જવાતું નથી એટલે જોઈએ એવી દિવસમાં એનર્જી પણ હવે મળતી નથી.’

સ્વર્ગનું બીજું નામ એટલે સંજય ગાંધી નૅશનલ પાર્ક છે એમ જણાવતાં દહિસરમાં રહેતા અનિલ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંત્રીસ વર્ષથી હું નૅશનલ પાર્કમાં વૉકિંગ કે જૉગિંગ કરવા જતો હતો. હાલમાં નૅશનલ પાર્ક બંધ છે. જો ખૂલશે તો સારું જ છે, પરંતુ મારા મતે હજી અમુક મહિના નૅશનલ પાર્ક બંધ જ રાખવો જોઈએ. એને ખોલવાની ઉતાવળ ન કરવી જોઈએ કેમ કે આટલા મહિનાથી બંધ હોવાને કારણે પ્રકૃતિ સુધરી રહી છે. નૅશનલ પાર્કને ખોલીને વન્ય જીવો કે વન્ય સૃષ્ટિને ખલેલ ન પહોંચાડવી જોઈએ.’

સંજય ગાંધી નૅશનલ પાર્કને પ્રિકોશન લઈને ગાઇડલાઇનને ફૉલો કરીને ખોલવો જોઈએ એમ જણાવતાં રાકેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું વીસ વર્ષથી રોજ રનિંગ માટે નૅશનલ પાર્કમાં જતો હતો. સત્તર માર્ચે છેલ્લે હું નૅશનલ પાર્ક ગયો હતો. નૅશનલ પાર્ક બંધ હોવાને કારણે અમારી ઍક્ટિવિટી બધી બંધ થઈ ગઈ છે. હવે જ્યારે આટલા મહિનાઓથી નથી જઈ શકાયું ત્યારે દિવસની શરૂઆત સારી થતી નથી. આળસભર્યા દિવસો જઈ રહ્યા છે. પ્રિકોશન લઈ નૅશનલ પાર્કને ખોલવો જોઈએ અને જો કોઈ ગાઇડલાઇનને ફૉલો ન કરે તો તેને પાર્કમાં એન્ટ્રી આપવી ન જોઈએ.’

mumbai mumbai news aarey colony national park borivali urvi shah-mestry