17 October, 2025 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓ હવે દિવાળીમાં થતા પ્રદૂષણના મુદ્દે સભાન થતા હોવાનું ફટાકડાની ખરીદી પરથી જણાઈ આવ્યું છે. તેઓ હવે ઇકો-ફ્રેન્ડ્લી અને ઓછો અવાજ કરતા ફટાકડાઓ વધુ ખરીદી રહ્યા છે.
તળ મુંબઈના મહમ્મદ અલી રોડ, સેન્ટ્રલ સબર્બમાં કુર્લા, દાદર અને વેસ્ટર્ન સબર્બમાં મલાડમાં મોટા પાયે ફટાકડાનું વેચાણ થાય છે. આજે અગિયારસથી દિવાળીના પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે ગઈ કાલે મુંબઈગરાઓએ ફાટકડાની મોટા પાયે ખરીદી કરી હતી. સાગર ભણસાલી નામના ગ્રાહકે કહ્યું હતું કે ‘અમે દર વર્ષે મહમ્મદ અલી રોડ પરથી ફટાકડાની ખરીદી કરીએ છીએ. અંદાજે ૧૫થી ૨૦ હજારની ખરીદી કરીએ છીએ. આ વખતે અમે ઇકો-ફ્રેન્ડ્લી, ગ્રીન ફટાકડા પણ લઈ રહ્યા છીએ જેથી પર્યાવરણને ઓછું નુકસાન થાય અને અમે દિવાળીની ઉજવણી પણ કરી શકીએ.’
ફટાકડાની દુકાન ધરાવતા એક વેપારીએ કહ્યું હતું કે ‘ફટાકડાની ડિમાન્ડ ગયા વર્ષ કરતાં સારી છે. લોકો અલગ-અલગ વરાઇટીના ફટાકડાની ડિમાન્ડ કરી રહ્યા છે. ૧૦૦૦થી લઈને ૫૦૦૦ સુધીના ફટાકડા આવે છે. મારી પાસે રિપીટ કસ્ટમર્સ આવે છે.’