શિર્ડીના સાંઈમંદિરમાં ઑનલાઇન બુકિંગથી જ દર્શન કરવા મળશે

15 November, 2020 10:08 AM IST  |  Mumbai | Mumbai Correspondent

શિર્ડીના સાંઈમંદિરમાં ઑનલાઇન બુકિંગથી જ દર્શન કરવા મળશે

ર્શિડી સાંઈબાબા મંદિર

મહારાષ્ટ્ર સરકારે આવતી કાલે એટલે કે સોમવારથી તમામ ધર્મસ્થળો ખોલવાનો નિર્ણય લીધો હોવાથી ભક્તોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શિર્ડીના સાંઈબાબાનું મંદિર ૧૭ માર્ચથી બંધ હતું. સરકારના મંદિર ખોલવાના નિર્ણયની ઉજવણી ગઈ કાલે ગામવાસીઓ અને સાંઈભક્તોએ પેંડા વહેંચીને કરી હતી. જોકે કોરોનાના કપરા સમયમાં મંદિરમાં ભક્તોની ગિરદી ન થાય એ માટે મંદિર દ્વારા ઑનલાઇન બુકિંગ કરનારાઓને જ દર્શન કરવા દેવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

શિર્ડીના સાંઈમંદિરનું સંચાલન કરતા સાંઈબાબા સંસ્થાન દ્વારા ભક્તોને અપીલ કરાઈ છે કે કોરોનામાં અસંખ્ય લોકોના જીવ ગયા છે અને અનેક પરિવાર નોધારા બન્યા છે. આ મહામારી હજી સંપૂર્ણપણે સમાપ્ત નથી થઈ એટલે કોઈ ભક્તને દર્શન કરતી વખતે કોરોનાનું સંક્રમણ ન લાગે એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોવાથી સરકારના નિયમોનું પાલન કરવાની સાથે દર્શન ચાલુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અનેક ધાર્મિક સંસ્થાઓ અને ધર્મસ્થળોના સંચાલકો તેમ જ વિવિધ હિન્દુ સમાજ દ્વારા મંદિરો ખોલવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર દબાણ લવાયા બાદ ગઈ કાલે તેમણે દિવાળીના સમયમાં મંદિર ખોલવાનો નિર્ણય જાહેર કર્યો છે.

shirdi nashik mumbai mumbai news