મુંબઈ: દાદર સ્ટેશનની સિકલ બદલી નખાશે

01 July, 2020 07:23 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: દાદર સ્ટેશનની સિકલ બદલી નખાશે

દાદરના રીડેવલપમેન્ટ પ્લાનમાં મુસાફરો માટે ઘણી બધી સુવિધાઓનો સમાવેશ કરાયો છે. (ફાઇલ ફોટોગ્રાફ)

મુંબઈની ઉપનગરીય ટ્રેન-સેવાના દાદર રેલવે સ્ટેશનના પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેના બન્ને હિસ્સાના વ્યાપક સુધારા અને નવરચનાની કામગીરી માટે ઇન્ડિયન રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કૉર્પોરેશન (આઇઆરએસઆરસી) અને સાઉથ કોરિયન જૉઇન્ટ વેન્ચર કંપની વચ્ચે ટૂંક સમયમાં કરાર પર સહીસિક્કા કરવામાં આવશે. લોકસભામાં દક્ષિણ-મધ્ય મુંબઈનું પ્રતિનિધિત્વ કરતા સંસદસભ્ય રાહુલ શેવાળેએ કરાર પર સહીસિક્કાની ઔપચારિકતા ૧૦ જુલાઈએ પાર પડવાની સંભાવના દર્શાવી હતી.

સાઉથ કોરિયન ફન્ડિંગ વડે હાથ ધરવામાં આવનારી નવી કામગીરીમાં સગવડોનો ઉમેરો કરવામાં આવશે. એમાં એલિવેટેડ પેડેસ્ટ્રિયન ઝોન, અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગ ફેસિલિટી અને પશ્ચિમ રેલવેનાં સ્ટેશન તથા મધ્ય રેલવેનાં સ્ટેશનો વચ્ચે કનેક્ટિંગ રોડ બાંધવા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

રાહુલ શેવાળેએ જણાવ્યું હતું કે ‘દાદર સ્ટેશનની નવરચનાની યોજના ઘણા વખતથી પ્રલંબિત હતી. સાઉથ કોરિયન જૉઇન્ટ વેન્ચર કંપની અને આઇઆરએસઆરસી વચ્ચે કરાર પર સહીસિક્કાની વિધિ પણ કેટલાક મહિના પૂર્વે થવાની હતી, પરંતુ લૉકડાઉન તથા અન્ય કેટલીક સમસ્યાઓને કારણે એ ઔપચારિકતા પાર પાડવામાં પણ વિલંબ થયો છે. રોજ ૧૦ લાખ મુસાફરોની અવરજવર થતી હોય એવા રેલવે સબર્બન સર્વિસના સ્ટેશન પર સુધારા અને સગવડોની ઘણી જરૂર છે. આ પ્રોજેક્ટ અર્બન રિન્યુઅલ પ્રોસેસમાં કેન્દ્રવર્તી બની શકે એમ છે. ૪૫૬ કરોડ રૂપિયાની યોજનાને રેલવેપ્રધાન પીયૂષ ગોયલ મંજૂરી આપી ચૂક્યા છે.’

piyush goyal south korea dadar central railway western railway mumbai news rajendra aklekar