‘મૅનેજમેન્ટ ગુરુ’ તરીકે ઓળખાતા મુંબઈના ડબ્બાવાળાઓના રાહબર ગંગારામ તળેકરનો દેહાંત

31 December, 2014 03:27 AM IST  | 

‘મૅનેજમેન્ટ ગુરુ’ તરીકે ઓળખાતા મુંબઈના ડબ્બાવાળાઓના રાહબર ગંગારામ તળેકરનો દેહાંત




પોતાની કોઠાસૂઝથી મરાઠી માણૂસના મૅનેજમેન્ટ કૌશલને મુંબઈના ડબ્બાવાળાઓના માધ્યમથી દુનિયાભરમાં મશહૂર કરનારા ડબ્બાવાળાઓના અગ્રણી નેતા ૬૮ વર્ષના ગંગારામ તળેકરનું સોમવારે રાત્રે હાર્ટ-અટૅકથી મોત થયું હતું. મુંબઈમાં બે લાખ જેટલા લોકોને રોજ સમયસર ટિફિન-સર્વિસ પહોંચાડતા ડબ્બાવાળાઓએ ગઈ કાલે ગંગારામ તળેકરના માનમાં બંધ પાળ્યો હતો તેથી આવા લાખો મુંબઈગરાઓએ બહાર જમવું પડ્યું હતું. બધા ડબ્બાવાળા ગ્રાન્ટ રોડમાં ગંગારામ તળેકરના અંતિમ દર્શને ગયા હતા અને ત્યાંથી તેમનું પાર્થિવ શરીર પુણેમાં તેમના વતન ગડદ ખાતે લઈ જવાયું હતું અને અંતિમ સંસ્કાર કરાયા હતા. તળેકરના પરિવારમાં પત્ની, ત્રણ પુત્રો અને એક પુત્રી છે.

પુણેરી ગંગારામ તળેકર માત્ર દસમી સુધી ભણ્યા હતા, પરંતુ પોતાની કોઠાસૂઝથી તેમણે મુંબઈના ડબ્બા-સર્વિસને સુસંગઠિત અને સુવ્યવસ્થિત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આજીવન વાઇટ ઝભ્ભો, લેંઘો અને માથા પર ગાંધીટોપી પહેરીને ગંગારામ તળેકરે દેશ-વિદેશમાં પ્રવાસો ખેડીને કૉર્પોરેટ જગતને પણ મૅનેજમેન્ટના પાઠ ભણાવ્યા હતા. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે તેમને ખાસ લંડન બોલાવી સન્માન કર્યું હતું અને મૅનેજમેન્ટ ગુરુ તરીકે સંબોધ્યા હતા. ગ્રાન્ટ રોડમાં તેમના અંતિમ દર્શને સાતેક હજાર લોકો આવ્યા હતા અને તેમના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે પણ મુંબઈથી ત્રણેક હજાર લોકો પુણે ગયા હતા.