midday

ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર પણ ફસાયા સાઇબર ફ્રૉડમાં

12 July, 2023 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાર્ટટાઇમ કામ કરીને પૈસા કમાવાની લાલચમાં દહિસરમાં રહેતા ગુજરાતીએ ૯.૩૫ લાખ રૂપિયા ગુમાવ્યા
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

પાર્ટટાઇમ કામ કરી પૈસા કમાવાની લાલચ આપીને સાઇબર ગઠિયાઓ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. એમાં વધુ એક ઉમેરો થયો છે. દહિસરમાં રહેતા ફાઇનૅ​ન્શિયલ ઍડ્વાઇઝર સાથે પાર્ટટાઇમ કામ કરીને પૈસા કમાવાની લાલચ આપી ૯.૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટનાની ફરિયાદ દહિસર પોલીસ સ્ટેશને નોંધીને તપાસ શરૂ કરી છે.

બોરીવલી-ઈસ્ટના ગણેશ મંદિર નજીકની એક સોસાયટીમાં રહેતા અને ફાઇનૅ​ન્શિયલ ઍડ્વાઇઝરનું કામ કરતા કર્ણ નરેન્દ્ર શાહે કરેલી ફરિયાદ અનુસાર તેમને ૧૩ જૂને બપોરે એક મેસેજ આવ્યો હતો, જેમાં ત્રણ હોટેલોને રેટિંગ આપવા બદલ ૧૫૦ રૂપિયા આપવામાં આવશે એવી માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ કર્ણએ ત્રણેય હોટેલને રેટિંગ આપતાંની સાથે જ તેના અકાઉન્ટમાં ૧૫૦ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. એ પછી બીજા ટાસ્ક માટે ૨,૦૦૦ રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું એના બદલામાં ૨૮૦૦ રૂપિયા પાછા કર્ણના અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ધીરે-ધીરે કર્ણએ કુલ ૯,૩૫,૦૦૦ રૂપિયા ભરી દીધા હતા. તેણે આ તમામ પૈસા કાઢવાની કોશિશ કરી ત્યારે એ નીકળ્યા નહોતા. અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેણે આ ઘટનાની ફરિયાદ દહિસર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

દહિસર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર અમે છેતરપિંડી અને આઇટી ઍક્ટ અનુસાર ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જે અકાઉન્ટમાં પૈસાનું ટ્રાન્ઝૅક્શન થયું છે એની માહિતી પણ કાઢવામાં આવી રહી છે.’

cyber crime dahisar borivali mumbai mumbai news mumbai police Crime News mumbai crime news