04 April, 2026 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચેમ્બુરના તિલકનગરમાં રહેતી ૧૯ વર્ષની એન્જિનિયરિંગની વિદ્યાર્થિની સાથે સોશ્યલ મીડિયા દ્વારા મિત્રતા કરીને પોતે ઇંગ્લૅન્ડની ક્રિકેટ-ટીમનો ખેલાડી હોવાનો દાવો કરીને એક અજાણ્યા યુવાને ૧,૫૮,૬૮૬ રૂપિયા પડાવી લીધા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે તિલકનગર પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગઠિયાએ ઇન્સ્ટાગ્રામ પર ઓળખ બનાવીને યુવતીનો વિશ્વાસ જીત્યો અને લગ્ન કરવાની ખાતરી આપીને વિવિધ કારણોસર પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સોશ્યલ મીડિયા પર વધતી ઑનલાઇન છેતરપિંડીની ચિંતાજનક સ્થિતિ ફરી એક વાર ઉજાગર કરી છે.
તિલકનગરમાં રહેતી અને ચુનાભટ્ટીની એક એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીને જાન્યુઆરી મહિનાના અંતમાં shresthetics નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી ફ્રેન્ડ-રિક્વેસ્ટ મળી હતી જેના DPમાં ફોટો જોયા બાદ યુવતીએ એ રિક્વેસ્ટ સ્વીકારી હતી.
ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ સ્વીકારતાં આરોપીએ પોતાનું નામ શ્રેય નાઈક હોવાનું જણાવી પોતે ક્રિકેટર હોવાનું અને ઇંગ્લેન્ડ ટીમ તરફથી રમતો હોવાનો દાવો કર્યો હતો. બન્ને વચ્ચે ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ પર વાતચીત શરૂ થઈ અને આરોપીએ વિશ્વાસ જીતવા માટે અનેક ખોટી માહિતી અને ફોટો યુવતીને મોકલ્યાં હતાં.
વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ પોતાની મા રોડ-અકસ્માતમાં અને પિતા કૅન્સરથી મૃત્યુ પામ્યાં હોવાનું કહીને યુવતીને ઇમોશનલ બ્લૅકમેઇલ કરી હતી. એ દરમ્યાન આરોપીએ હૉસ્પિટલ-ખર્ચ, પાર્સલ અને અન્ય ખર્ચના બહાને પૈસાની માગણી કરી હતી.
યુવતીએ બે મહિનામાં ૧,૫૮,૬૮૬ ગૂગલ-પે દ્વારા આરોપીના મોબાઇલ નંબર પર ટ્રાન્સફર કર્યા હતા. આમાંની મોટા ભાગની રકમ યુવતીએ તેના બીજા મિત્રો પાસેથી ઉધાર લીધી હતી. જોકે એ પછી પણ આરોપી દ્વારા વધુ પૈસાની માગણી કરવામાં આવતાં યુવતીએ આપવાનો ઇનકાર કર્યો હતો. એ સમયે આરોપીએ આત્મહત્યાની ધમકી આપી અને કહ્યું હતું કે તેને કંઈ થશે તો યુવતી પર પોલીસ-કેસ થશે.
અંતે યુવતીએ હિંમત કરીને મિત્રોને જાણકારી આપી હતી અને ઘટનાની ફરિયાદ તિલકનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.
પોલીસે આરોપી વિશે વધુ માહિતી ભેગી કરીને તપાસ હાથ ધરી છે. સાથે જ સોશ્યલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતાં પહેલાં તેમની ઓળખ ચકાસવી અને પૈસાની લેવડદેવડ કરતી વખતે સાવચેત રહેવા પોલીસે અપીલ કરી છે.