દહિસર ટોલનાકા પરના ભયંકર ટ્રાફિક જૅમથી હાલમાં તો, નો રિલીફ

15 October, 2020 07:37 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

દહિસર ટોલનાકા પરના ભયંકર ટ્રાફિક જૅમથી હાલમાં તો, નો રિલીફ

ટ્રાફિક જૅમ

મુંબઈના દહિસર સિવાયના એન્ટ્રી-પૉઇન્ટ પર ટૂંક સમયમાં ટ્રાફિકની મુશ્કેલી હળવી થવાની શક્યતા છે. ૭ મહિનાથી અટકી પડેલું ફાસ્ટૅગ લગાવવાનું કામ મહારાષ્ટ્ર રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા ફરી હાથ ધરાયું છે અને આઠેક દિવસમાં એ પૂરું થવાની ધારણા છે. જોકે જ્યાં સૌથી વધુ ટ્રાફિક જૅમ થાય છે એ દહિસર ટોલનાકા પર ફાસ્ટૅગ માટે હજી રાહ જોવી પડશે.

મુંબઈના પાંચ એન્ટ્રી-પૉઇન્ટ પરના ટોલનાકાઓમાં ભારે ટ્રાફિક જૅમ સર્જાય છે, જેને કારણે લોકોનો સમય અને ઈંધણ બન્ને બગડે છે. ટોલનાકા પરનો વાહનવ્યવહાર સ્મૂધલી ચાલે એ માટે રાજ્ય સરકાર દ્વારા ફાસ્ટૅગ ઇન્ટ્રોડ્યુસ કરાયું છે. જોકે માર્ચ ૨૦૨૦માં મુંબઈના અમુક એન્ટ્રી-પૉઇન્ટ પર થોડો વખત આ સિસ્ટમ ચાલુ કરીને બંધ કરી દેવાઈ હતી, જે હવે ફરી ચાલુ થાય એવી શક્યતા છે.

એમએસઆરડીસીના જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટર વિજય વાઘમારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટોલનાકા પરનો ટ્રાફિક સ્મૂધ કરવા અમે પગલાં લઈ રહ્યા છીએ. વાશી ટોલનાકા પર ઑલરેડી ૩-૩ લેન પર બન્ને તરફ ફાસ્ટૅગ ચાલુ છે, જ્યારે મુલુંડમાં આનંદનગર અને ઐરોલી ટોલનાકા પર બધાં જ ટેસ્ટિંગ થઈ ગયાં છે. આવતા અઠવાડિયા સુધીમાં અમે એ બન્ને જગ્યાએ ફાસ્ટૅગ ચાલુ કરી દઈશું.’

કોરોનાને કારણે ટ્રેનોમાં માત્ર ઇમર્જન્સી સરકારી સેવાઓ, બૅન્ક કર્મચારી, પોલીસ અને મેડિકલ સ્ટાફને જ પ્રવાસ કરવાની પરવાનગી અપાઈ છે એથી સામાન્ય જનતાએ બાય રોડ પોતાના કે ભાડાનાં વાહનોમાં જ પ્રવાસ કરવો પડે છે, જેને કારણે ધસારાના સમયે દરેક ટોલનાકાં પર પર ભારે ટ્રાફિક જૅમ થાય છે. જે લોકો મુંબઈની બહાર રહે છે તેઓ દરરોજ મુંબઈ નોકરી-કામધંધા માટે આવજા કરે છે અને તેમની હાલત કોફડી થઈ જાય છે. તમામ ટોલનાકાં પર જો ફાસ્ટૅગ થઈ જાય તો ટ્રાફિકની સમસ્યા હળવી થતાં લોકોના સમયની સાથે કીમતી ઈંધણ પણ બચશે.

દહિસર ચેકનાકા પર મેટ્રોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે એટલે ફાસ્ટૅગ બેસાડવામાં હજી સમય લાગશે. મુલુંડ અને ઐરોલીનું કામ પૂરું થયા બાદ અમે દહિસર પર ફોકસ કરીને એ કામને હાથમાં લઈશું.
- વિજય વાઘમારે, એમએસઆરડીસીના જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટર

mumbai mumbai news dahisar mulund airoli mumbai traffic