વૅક્સિનેશનની માહિતી માગવાના બહાને મહિલાએ કરી 3.10 લાખ રૂપિયાની લૂંટ

11 May, 2021 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમારા ઘરે કોઈ પણ વ્યક્તિ વૅક્સિનેશન કે અન્ય કોઈ સંદર્ભે માહિતી લેવા આવે તો સેફ્ટી ડોર બંધ રાખીને જ વાત કરવી હિતાવહ છે, કારણ કે બુધવારે વરલીમાં એક મહિલાએ વૅક્સિનેશન સંબંધી માહિતી લેવી છે એમ કહી ઘરમાં પ્રવેશી વૃદ્ધ મહિલાને ચાકુની અણીએ લૂંટી લીધી

પ્રતીકાત્મક તસવીર - તસવીર સૌજન્ય: મિડ-ડે

જો તમારા ઘરે કોઈ પણ વ્યક્તિ વૅક્સિનેશન કે અન્ય કોઈ સંદર્ભે માહિતી લેવા આવે તો સેફ્ટી ડોર બંધ રાખીને જ વાત કરવી હિતાવહ છે, કારણ કે બુધવારે વરલીમાં એક મહિલાએ વૅક્સિનેશન સંબંધી માહિતી લેવી છે એમ કહી ઘરમાં પ્રવેશી વૃદ્ધ મહિલાને ચાકુની અણીએ લૂંટી લીધી હતી. આ બનાવને કારણે એ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે. વરલી પોલીસે લૂંટનો ગુનો નોંધીને મહિલાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યાં છે. 

લૂંટની આ ઘટના વિશે માહિતી આપતાં વરલી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ અનિલ કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે વરલીની ગોપાચાર સોસાયટીમાં વૃદ્ધ મહિલા અને તેનો ૯ વર્ષનો પૌત્ર એકલાં જ હતાં. તેમનો દીકરો અને વહુ બહાર ગયાં હતાં. બપોરના ૧૨.૩૦ વાગ્યે એક મહિલા તેમના ઘરે આવી હતી અને તમે વૅક્સિન લીધી છે કે નહીં એમ પૂછીને અન્ય માહિતી લીધી હતી. જોકે ત્યાં સુધી વૃદ્ધાએ ઘરનો સેફ્ટી ડોર ખોલ્યો નહોતો. ત્યાર બાદ તે મહિલાએ કહ્યું કે મને તરસ લાગી છે, પાણી આપો. એટલે વૃદ્ધા દરવાજો ખોલીને પાણી લેવા ગઈ ત્યારે તે મહિલા ઘરમાં આવી ગઈ હતી અને પૌત્રના હાથ-પગ બાંધી દીધા હતા. એટલું જ નહીં, તેણે વૃદ્ધાને ચાકુ દેખાડતાં વૃદ્ધા એકદમ ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ તે મહિલાએ ઘરના કબાટમાંથી અંદાજે ત્રણ લાખ રૂપિયાના દાગીના અને ૧૦,૦૦૦ રૂપિયા રોકડા લઈને ભાગી ગઈ ગઈ હતી.’

પીઆઇ અનિલ કોળીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમને ઘટનાસ્થળનાં કોઈ સીસીટીવી ફુટેજ મળ્યાં નથી. વળી આવનારી મહિલાએ માસ્ક પણ પહેર્યો હતો. હાલ અમે લૂંટનો ગુનોને નોંધી તે મહિલાની શોધ ચલાવી રહ્યા છીએ. અમારા ડિટેક્શન ઑફિસરે એ વિશે વધુ માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.’ 

mumbai mumbai news Crime News mumbai crime news worli