કન્યા જોવા જાઓ ત્યારે સાવધાન

05 October, 2025 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅટ્રિમોનિયલ સાઇટ પર મળેલી યુવતીએ વિરારના ગુજરાતી અકાઉન્ટન્ટ પાસેથી ૫,૧૧,૦૦૦ રૂપિયા પડાવી લીધા: લગ્નની વાત ટાળવા લાગી, પૈસા પાછા માગ્યા ત્યારે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી: અંતે ભાઈંદર પોલીસે મા-દીકરી સહિત ૩ જણ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી

આ છે પ્રોફાઇલ

વિરાર-વેસ્ટના ગ્લોબલ સિટી નજીક રહેતા ૩૦ વર્ષના ગુજરાતી બ્રાહ્મણ યુવાન સાથે ૫,૧૧,૦૦૦ રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મૅટ્રિમોનિયલ સાઇટ પર મળેલી એક યુવતીએ લગ્નની લાલચ આપીને તેની પાસેથી ૫,૧૧,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા. પુત્રી ધ્વનિ અને માતા જયશ્રી ગોર સહિત ૩ લોકો સામે ગઈ કાલે ભાઈંદર પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.

અનેક યુવાનોને છેતર્યા હોઈ શકે

ફરિયાદમાં કરવામાં આવેલા આરોપ પ્રમાણે ધ્વનિ મૅટ્રિમોનિયલ સાઇટ પર લગ્ન માટે ઇચ્છુક હોવાની માહિતી આપીને યુવાનો સાથે પહેલાં મિત્રતા કરતી હતી અને ત્યાર બાદ વિવિધ કારણો આપીને પૈસા પડાવતી હતી. ભાઈંદર અને વિરારમાં રહેતા બે યુવાનોને લગ્નનું વચન આપીને ધ્વનિએ તેની મમ્મીની મદદથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની પ્રાથમિક માહિતી પોલીસ સામે આવી હતી. જોકે આ રીતે બે કરતાં પણ વધારે યુવાનો છેતરાયા હોય એવી શક્યતાના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

શું કહે છે પોલીસ?

ભાઈંદર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૅટ્રિમોનિયલ સાઇટ પર લગ્ન માટે ઇચ્છુક હોવાનો દાવો કરીને ધ્વનિ ગોર નામની યુવતીએ બે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની બે ફરિયાદ અમને મળી છે. બન્ને કેસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે એવી શક્યતા છે કે યુવતીએ બીજા અનેક યુવાનો સાથે પણ આ રીતે છેતરપિંડી કરી હોઈ શકે. એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.’

શું થયું હતું ગુજરાતી યુવાન સાથે?

પ્રાઇવેટ કંપનીમાં અકાઉન્ટન્ટની નોકરી કરતા ગુજરાતી બ્રાહ્મણ યુવાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ૨૦૨૨માં ડિવૉર્સ થયા હોવાથી હું બીજાં લગ્ન માટે છોકરીની શોધમાં હતો. ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં એક મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર મારી ઓળખાણ ધ્વનિ ગોર સાથે થઈ હતી. ત્યારે ધ્વનિએ પણ તે ડિવૉર્સી હોવાની માહિતી મને આપી હતી. અમે વૉટ્સઍપ અને ફોન પર વાત કરવાની શરૂઆત કરી હતી. આ વાતોમાં તેણે તેના પતિ સાથે ફાઇનલ ડિવૉર્સ માટે વકીલને ૩૦,૦૦૦ રૂપિયા આપવાના છે એમ કહીને મારી પાસેથી ૩૦,૦૦૦ રૂપિયા સંજના શર્માના બૅન્ક-અકાઉન્ટમાં લીધા હતા. ત્યાર બાદ ધીરે-ધીરે કરીને વિવિધ કારણો આપીને મારી પાસેથી કુલ ૫,૧૧,૦૦૦ રૂપિયા સંજના અને તેની માતા જયશ્રીના અકાઉન્ટમાં લીધા હતા. જ્યારે મેં લગ્ન માટે વાત કરી ત્યારે તે ગોળ-ગોળ જવાબ આપીને વાત ટાળી દેતી હતી એટલે મેં તેને મારા પૈસા પાછા આપવા માટે વિનંતી કરી હતી. ત્યારે તેણે મને ખોટા પોલીસકેસમાં ભેરવી દઈશ એવી ધમકી આપવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ મેં ધ્વનિ વિશે વધુ માહિતી મેળવવા તપાસ શરૂ કરી તો ખબર પડી કે તેનું બૅન્ક-અકાઉન્ટ અન્ય લોકો સાથે છેતરપિંડી કરવા માટે વપરાયું હોવાથી ફ્રીઝ કરી દેવાયું છે. તેણે મારા જેવા અનેક યુવાનો સાથે લગ્નના નામે છેતરપિંડી કરી હોવાની મને ખાતરી થતાં આ ઘટનાની ફરિયાદ મેં ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’

virar bhayander Crime News mumbai crime news mumbai police mumbai mumbai news