થાણેમાં જ્વેલર્સની સતર્કતાએ બે લૂંટારાને પકડાવ્યા

14 September, 2020 09:51 AM IST  |  Mumbai | Mumbai Correspondent

થાણેમાં જ્વેલર્સની સતર્કતાએ બે લૂંટારાને પકડાવ્યા

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં ઘોડબંદર રોડ પર આવેલા આનંદનગર ખાતેની એક જ્વેલરી શૉપમાં છ લૂંટારાએ શનિવારે ધોળેદિવસે દાગીના લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટારાઓને અટકાવવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિ પર તેઓ હુમલો કરીને ભાગી રહ્યા હતા. જોકે સતર્ક દુકાનદારે સાયરન વગાડતાં લોકોએ છમાંથી બે લૂંટારાને ઝડપી લીધા હતા અને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે તેમની પાસેથી ૯૧,૪૦૦ રૂપિયાના લૂંટેલા દાગીના હસ્તગત કર્યા હતા.

થાણેના કાસારવડવલી પોલીસના જણાવ્યા મુજબ બપોર બાદ રાકેશ જ્વેલર્સમાં કેટલાક લોકો ધારદાર શસ્ત્ર સાથે લૂંટને ઈરાદે ધસી ગયા હતા. તેમને રોકવાનો પ્રયાસ કરનારા પર હુમલો કરાયો હતો. લૂંટારા દુકાનમાંથી શસ્ત્રોની ધાકે કેટલાક દાગીના લૂંટીને ભાગી ગયા હતા. જોકે દુકાનદારે સાયરન વગાડતાં ભાગી રહેલા લૂંટારાઓને રસ્તામાં જઈ રહેલા લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમણે બે લૂંટારાને ઝડપી લીધા હતા. લોકોએ લૂંટારાઓ પર પથ્થરોનો મારો ચલાવતા તેઓ પડી ગયા હતા. ચાર લૂંટારા મોટરસાઈકલ પર બેસીને પલાયન થઈ ગયા હતા.

લૂંટની આ ઘટનામાં દુકાનમાં આવેલી એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાથી તેની સારવાર કરાઈ હતી. કાસારવડવલી પોલીસે લૂંટ અને હુમલાનો કેસ નોંધીને પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી હોવાનું અહીંના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

કાસારવડવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિશોર ખૈરનારે કહ્યું હતું કે ‘લોકોની મદદથી હાથમાં આવેલા બે લૂંટારા પાસેથી ૯૧,૪૦૦ રૂપિયાની કિંમતના દાગીના હસ્તગત કરાયા છે. બાકીના આરોપીઓને પકડવા માટે અમારી ટીમ કામ કરી રહી છે.

ઘોડબંદર રોડ પર આવેલી આ દુકાનમાં લૂંટની તપાસ માટે આવેલી પોલીસ.

mumbai mumbai news thane thane crime mumbai crime news Crime News