05 December, 2023 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાલાસોપારામાં એકસાથે દસ ઘરમાં ચોરી કરવાનો પ્રયત્ન કરાયો હોવાથી લોકો ભયભીત થયા
નાલાસોપારા-ઈસ્ટમાં આવેલા સેવાલાલનગરમાં સોમવારે સવારે એકસાથે ૧૦ ઘરોમાં ચોરીનો પ્રયાસ થયો હતો, જ્યારે એક ઘરમાંથી રોકડ અને સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ ઘટના ગઈ કાલે સવારે નાલાસોપારા-ઈસ્ટના તુળીંજ ગામમાં સેવાલાલનગરમાં પ્રકાશમાં આવી હતી. વહેલી સવારે જ્યારે લોકો ઊંઘમાં હતા ત્યારે ચોરોએ અનેક ઘરોનાં તાળાં તોડી ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેઓ એક ઘરમાં ઘૂસી સોનાના દાગીના અને એક લાખ રૂપિયાની લૂંટ કરવામાં સફળ રહ્યા હતા. એકસાથે અનેક ઘરોમાં ચોરીના પ્રયાસને કારણે અહીંના રહેવાસીઓ ભયભીત થઈ ગયા હતા. સ્થાનિકોના ધ્યાનમાં આવતાં તરત જ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી હતી. લક્ષ્મી પટવા નામની મહિલાએ ફરિયાદ કરી હતી કે અમે ઉપરના માળે સૂતાં હતાં ત્યારે અજાણ્યા ચોર નીચેના રૂમમાં ઘૂસી ગયા હતા અને અમારાં ઘરેણાં અને રોકડ લૂંટી ગયા હતા. આ વિસ્તારમાં નશાખોરોની સંખ્યામાં વધારો થયો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે ડ્રગ્સના વેપારને કારણે ગુનાહિત વૃત્તિ ધરાવતા લોકો આવી રહ્યા છે. એને કારણે ગુનેગાર ટોળકીએ એકસાથે અનેક ઘરોમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો છે.
તુળીંજ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર નાગરકરે જણાવ્યું હતું કે ‘ચોરોએ અન્ય ઘરોમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પણ સફળ થયા નથી અને એક જ ઘરમાં ચોરીની ઘટના બની છે. પોલીસે ફરિયાદ નોંધીને આ મામલાની તપાસ હાથ ધરી છે.’