મુછ્છડ પાનવાળો ડ્રગ્સનો ઉપયોગ ક્યાં કરતો હતો?

13 January, 2021 06:18 AM IST  |  Mumbai | Mid-day Correspondent

મુછ્છડ પાનવાળો ડ્રગ્સનો ઉપયોગ ક્યાં કરતો હતો?

ગઈ કાલે એનસીબી ની ઓફિસમાં જઈ રહેલો રામ શંકર તિવારી.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ સોમવારે આખો દિવસ મુછ્છડ પાનવાળા શ્યામચરણ તિવારીના ચાર દીકરામાંથી એક દીકરા જયશંકર તિવારીની પૂછપરછ કર્યા બાદ મંગળવારે સવારે મુછ્છડ પાનવાળા શૉપમાં ભાગીદારી ધરાવતા તેના બીજા પુત્ર રામશંકર તિવારીની ડ્રગ કેસમાં ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એનસીબીને તેમના ગાડાઉનમાંથી ડ્રગ મળી આવ્યું હતું.

એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કહ્યું હતું કે અમે મુછ્છડ પાનવાળા રામશંકર તિવારીની ધરપકડ કરી છે. અમને તેના ગોડાઉનમાંથી ડ્રગ મળી આવ્યું છે. જોકે કેટલું અને કઈ ટાઇપનું ડ્રગ મળી આવ્યું એ બદલ તેમના તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નહોતી. સમીર વાનખેડેએ વધુમાં કહ્યું હતું કે દુકાનના અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ ચાલી રહી છે અને ગોડાઉનમાંથી જે ડ્રગ મળી આવ્યું છે એને પણ ચકાસણી માટે લૅબમાં મોકલવામાં આવ્યું છે.

એનસીબીની ટીમે શનિવારે બ્રિટિશ નાગરિક કરણ સજનાની, રહિલા ફર્નિચરવાલા અને તેની બહેન શાઇસ્તા ફર્નિચરવાલાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 75 કિલો ગાંજો, 125 કિલો એના જેવું જ અન્ય ડ્રગ જે યુએસથી ઇમ્પોર્ટ કરાયું હતું એ ઝડપી લેવાયું હતું. જોકે કરણ સજનાનીએ તેની પૂછપરછ દરમિયાન મુછ્છડ પાનવાલાને પણ આ જ મટીરિયલ સપ્લાય થાય છે એવી વાત કહેતાં એનસીબીએ મુછ્છડ પાનવાળા જયશંકર તિવારીને સમન્સ મોકલાવી પૂછપરછ માટે બોલાવ્યો હતો. પોલીસ હવે એ બાબતની પણ તપાસ કરી રહી છે કે મુછ્છડ પાનવાળો આનો ઉપયોગ પાનમાં કરતો હતો કે બીજી કોઈ જગ્યાએ વાપરતો હતો.

mumbai mumbai news