સૂટકેસમાં મળેલા મહિલાના મૃતદેહનો કેસ 30 કલાકમાં ઉકેલાયો

10 December, 2019 10:28 AM IST  |  Mumbai

સૂટકેસમાં મળેલા મહિલાના મૃતદેહનો કેસ 30 કલાકમાં ઉકેલાયો

પ્રેમસંબંધમાં બાવીસ વર્ષની પ્રિન્સીએ જીવ ગુમાવ્યો.

કલ્યાણ રેલવે સ્ટેશનની બહાર રવિવારે સવારે એક રિક્ષામાં સૂટકેસમાં ભરવામાં આવેલો એક મહિલાનો ટુકડા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. આ મામલામાં થાણે ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૧ની ટીમે ફરિયાદ નોંધાયાના ૩૦ કલાકમાં જ કેસ ઉકેલીને હત્યારાની ધરપકડ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે ૨૨ વર્ષની યુવતીની હત્યા બીજા કોઈએ નહીં, તેના પપ્પાએ જ કરી હતી. પુત્રીનો કોઈક સાથેનો પ્રેમસંબંધ મંજૂર ન હોવાથી તેમણે હત્યા કરીને મૃતદેહના ટુકડા બૅગમાં ભરીને એનો નિકાલ કર્યો હતો.

રવિવારે સવારે ૫.૨૫ વાગ્યે કલ્યાણ રેલવે-સ્ટેશનની બહાર ઑટોરિક્ષામાં એક મોટી બૅગ લઈને આવનાર વ્યક્તિ ભિવંડી જવા માટે બેઠી હતી. બૅગમાંથી દુર્ગંધ આવતી હોવાથી રિક્ષાવાળાને શંકા જતાં તેણે પૂછપરછ કરી હતી. ત્યાર બાદ બૅગ લઈ આવનાર વ્યક્તિ ગભરાઈને બૅગ રિક્ષામાં જ મૂકીને ભાગી ગઈ હતી. રિક્ષાવાળાએ બૅગ ખોલતાં એમાંથી એક યુવતીનો કમરની નીચેનો કપાયેલો ભાગ મળી આવતાં તેણે કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શરીરની નીચેના ભાગ પરથી મૃતક મહિલાની ઓળખ કરવાનો પડકાર પોલીસ સામે હતો. રેલવે સ્ટેશનના સીસીટીવી કૅમેરાની તપાસ કરતાં થાણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૧ની ટીમના સંજય બાબરે માહિતી મેળવી હતી કે આરોપી ટિટવાલાનો છે. ૪૭ વર્ષનો અરવિંદ રમેશચંદ્ર તિવારી મલાડની ટ્રાન્સપોર્ટ કંપની પવનહંસ લૉજિસ્ટિકમાં કામ કરે છે.

પોલીસે કંપનીમાં તપાસ કરતાં આરોપી હાથ લાગ્યો હતો. તેની પૂછપરછ કરતાં જણાયું હતું કે મૃતક યુવતી પ્રિન્સી આરોપીની દીકરી હતી અને તેનો એક યુવક સાથે પ્રેમ હતો, જે આરોપી પિતાને પસંદ નહોતો એટલે તેણે પોતાની સગી પુત્રીને મોતને ઘાટ ઉતારી હતી.

આ પણ વાંચો : મેટ્રો કારશેડ જ્યાં બનવાનું છે ત્યાં દીપડો દેખાયો

યુનિટ-૧ના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃતદેહ મળ્યાની ફરિયાદ નોંધાયાના ૩૦ કલાકમાં જ અમને હત્યારાને પકડવામાં સફળતા મળી હતી. આરોપીએ પુત્રીને શુક્રવારે મારી નાખીને તેના શરીરના ટુકડા કર્યા હતા. રવિવારે વહેલી સવારે તે મૃતદેહના ટુકડા સૂટકેસમાં ભરીને ટ્રેનમાં કલ્યાણ આવ્યો હતો. સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી અમે આરોપીને પકડ્યો હતો.’

mumbai thane crime thane mumbai crime news