ફેક કૉલ સેન્ટર: થાણે પોલીસ સાવ શુષ્ક, સોલાપુર પોલીસ સક્રિય

18 February, 2020 07:55 AM IST  |  Mumbai | Diwakar Sharma, Shirish Vaktania

ફેક કૉલ સેન્ટર: થાણે પોલીસ સાવ શુષ્ક, સોલાપુર પોલીસ સક્રિય

ઝીરો ટકા વ્યાજદરે લોન આપવાના બહાનાં હેઠળ સેંકડો જરૂરિયાતમંદ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી કરનારાઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં થાણે પોલીસને કોઈ રસ ન હોવાનું જણાઈ રહ્યું છે. ‘મિડ-ડે’ દ્વારા થાણેમાં ચલાવવામાં આવતાં બનાવટી કૉલ સેન્ટરોનો પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવતાં જ બજાજ ફાઇનૅન્સ લિમિટેડની લીગલ બ્રિગેડે થાણે પોલીસને બે પાનાં ભરીને ફરિયાદપત્ર આપ્યો હોવા છતાં થાણે પોલીસ તરફથી ઉદાસીન વલણ અપનાવાઈ રહ્યું છે. જોકે આની સામે સોલાપુર પોલીસ આ જ કૉલ સેન્ટરના મામલે કરવામાં આવેલી ફરિયાદ પર ઝડપથી કામ કરી રહી છે
થાણેમાં ગેરકાયદે આધાર સેન્ટર ઉઘાડું પાડ્યા પછી ‘મિડ-ડે’ દ્વારા ઉજાગર કરવામાં આવેલો આ બીજો કેસ છે. પોલીસ-કમિશનર વિવેક ફણસલકર હેઠળની થાણે પોલીસ દ્વારા સેંકડો લોકો સાથે છેતરપિંડી કરનારા આ બન્ને કેસમાં હજી કાયદેસર કાર્યવાહી કરવાની બાકી છે. ‘મિડ-ડે’ના રિપોર્ટર્સ દ્વારા અનેક વખત ફોન કરવામાં આવ્યા છતાં ફણસલકર કૉલનો જવાબ આપવાની તસ્દી પણ લેતા નથી.

‘મિડ-ડે’ની સ્ટોરી વાંચીને પુણેથી મુંબઈ દોડી આવેલા બજાજ ફાઇનૅન્સ લિમિટેડના જનરલ કાઉન્સેલર બાબુરાવે નિરાશ સૂરે પુણે પાછા ફરતાં પહેલાં જણાવ્યું હતું કે મારી ટીમે ફરિયાદપત્ર સોંપ્યો છે અને મેં પણ થાણે પોલીસ કમિશનરની મુલાકાત લીધી હતી. તેમણે મને કહ્યું હતું કે તેઓ કૉલ સેન્ટરની છેતરપિંડીનો ભોગ બનેલા લોકો ફરિયાદ કરવા આગળ આવે એની રાહ જોઈ રહ્યા છે અને એટલે જ એફઆઇઆર નોંધાયો નથી.

‘મિડ-ડે’ના કબજામાં રહેલો ફરિયાદપત્ર ગઈ કાલે વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે જણાવ્યું હતું કે અમે સંપૂર્ણ બાબતની ચકાસણી કર્યા પહેલાં કોઈ પગલાં નહીં લઈ શકીએ.

પોલીસ કમિશનર વિવેક ફણસલકરે રિપોર્ટર્સ દ્વારા મોકલવામાં આવેલા સંદેશાઓનો કોઈ જવાબ ન વાળતાં ચુપકીદી સાધી લીધી છે. જોકે ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (પશ્ચિમ વિભાગ) અનિલ કુંભારેએ કહ્યું હતું કે અમને કોઈ ફરિયાદ મળી નથી અને અમે પૂરી બાબતની તપાસ કરી રહ્યા છીએ. જોકે ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) થાણે પ્રવીણ પવારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે કોઈ ફરિયાદ લઈને આગળ આવ્યું નથી.

સ્ટેજ ડોર કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ (એસજીડીપીએલ)ને થાણે પોલીસે એક જ દિવસમાં દોઢ-બે કલાકના અંતરે બે વખત પોલીસે ઑફિસની મુલાકાત લીધી ત્યાં સુધી કૉલ સેન્ટરના પર્દાફાશ વિશે કોઈ માહિતી નહોતી. થાણે પોલીસની પહેલી મુલાકાત પછી એસડીસીપીએલના કર્મચારીઓને તેમની પાસેના સેલફોન બંધ કરવાનું જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈ : મલબાર હિલ પર કુદરતી ઑક્સિજન હબ

સોમનાથ સુતાર અને તેના મિત્ર રાજુ સુતાર તેમ જ મહેન્દ્ર કાંબળે સાથે બનાવટી કૉલરોએ ૧૧.૧૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી એ પછી એટલે કે લગભગ એક અઠવાડિયા પહેલાં સોલાપુર (ગ્રામ્ય)માં સાંગોલા પોલીસે થાણે સ્થિત એસડીસીપીએલની મુલાકાત લીધી હતી. સાંગોલા પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુરેશ નલાવડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે તેમણે થાણે ઑફિસની મુલાકાત લીધી હતી, જ્યાંથી સુતારના કેસના સંદર્ભમાં એક મહિલા અને બે પુરુષો પર સોલાપુરમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. ૨૦૧૯ની ૪ નવેમ્બરે તેમના પર આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૩૪ હેઠળ કામ ચલાવવામાં આવ્યું હતું.

mumbai news mumbai crime news Crime News shirish vaktania diwakar sharma goregaon solapur