મુંબઈ: કુર્લામાં 50 લાખના ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ

01 December, 2020 10:47 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: કુર્લામાં 50 લાખના ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ

ડ્રગ્સ પૅકેટ

મુંબઈમાં નશીલા પદાર્થની હેરાફેરી અને એના સેવન સામે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા સતત કાર્યવાહી થઈ રહી છે ત્યારે ગઈ કાલે મુંબઈ પોલીસની ઍન્ટિ નાર્કોટિક્સ સેલની ટીમે કુર્લાના સબીનાલા પરિસરમાંથી ૫૦ લાખ રૂપિયાનું ૫૦૩ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરીને સબીના ખાન નામની મહિલાની ધરપકડ કરી હતી.

કુર્લા પરિસરમાં સબીનાલા વિસ્તારમાં એમડી ડ્રગ્સની તસ્કરી થતી હોવાની માહિતી મુંબઈ પોલીસને મળી હતી. આથી ઍન્ટિ નાર્કોટિક્સ સેલની ટીમે નશીલા પદાર્થની હેરાફેરી કરનારાઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. બાતમીદારોની માહિતીના આધારે પોલીસે સબીના ખાનની અટક કરી ઝડતી લેતાં તેની પાસેથી ૫૦ લાખ રૂપિયાનું ૫૦૩ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

વરલી પોલીસ-સ્ટેશનના ડેપ્યુટી કમિશનર દત્તા નલાવડેના માર્ગદર્શનમાં પોલીસે આરોપી મહિલાની પૂછપરછ કરતાં તે મુંબઈમાં ડ્રગ્સ-રૅકેટ ચલાવતા કેટલાક લોકોના સંપર્કમાં હોવાનું જણાયું હોવાથી પોલીસે હવે અન્ય લોકોને પકડવાના પ્રયાસ હાથ ધર્યા છે.

મુંબઈમાં ડીઆરઆઇ વિભાગે પાંચ દિવસ પહેલાં આવી જ મોટી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ૧૮ કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું હતું. આ મામલામાં ડીઆરઆઇની ટીમે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી વેસ્ટ આફ્રિકાના એક નાગરિકની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨.૯૩૫ કિલો ગ્રામ કોકેન મળતાં એ જપ્ત કરાયું હતું.

mumbai mumbai news kurla Crime News mumbai crime news