ભાઈંદરના આઇસોલેશન સેન્ટરમાં રેપ : સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ

14 September, 2020 07:04 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ભાઈંદરના આઇસોલેશન સેન્ટરમાં રેપ : સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ

વિક્રમ શેરે

કોરોનાના સંકટમાં લોકોના જીવ તાળવે ચોંટેલા છે ત્યારે કેટલાક વિકૃત માનસ ધરાવતા લોકોને આવી સ્થિતિમાં પણ મજા માણવાનું સૂઝે છે. ભાઈંદરમાં મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં કોવિડની શંકાસ્પદ મહિલા પેશન્ટ પર બળાત્કાર ગુજારવાના આરોપસર પોલીસે અહીંના સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ફરિયાદી મહિલા તેની સાત વર્ષની પુત્રી સાથે ભાઈંદરમાં ગોલ્ડન નેસ્ટ પરિસરમાં એમએમઆરડીએના બિલ્ડિંગમાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં ઍડ્મિટ થઈ હતી. અહીં દરદીઓને ગરમ પાણી અપાય છે. બેથી સાત જૂન દરમ્યાન આ સેન્ટરના સિક્યૉરિટી ગાર્ડે પાણી આપવાને બહાને પોતાની રૂમમાં આવીને બળાત્કાર કર્યો હોવાનું મહિલાએ પરિવારને કહ્યું હતું. આરોપીએ આ બાબતે કોઈને કંઈ કહ્યું તો દીકરીને મારી નાખવાની ધમકી આપી હોવાથી મહિલા ગભરાઈ ગઈ હોવાથી તેણે પહેલાં ફરિયાદ નહોતી નોંધાવી.

બળાત્કારની જાણ થયા બાદ મહિલાના પરિવારજને એક સામાજિક કાર્યકરની મદદથી નવઘર પોલીસ સ્ટેશનમાં આરોપી સિક્યૉરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હોવાનું અહીંના એક પોલીસ-ઑફિસરે જણાવ્યું હતું. આ અધિકારીએ માહિતી આપતાં કહ્યું હતું કે ફરિયાદી મહિલાને કોરોનાનું સંક્રમણ થયાની શંકાને આધારે આઇસોલેશન સેન્ટરમાં ઍડ્મિટ કરાઈ હતી. તેનો રિપોર્ટ સારો આવ્યા બાદ તે ડિસ્ચાર્જ થઈને ઘરે આવી હતી અને તેણે પોતાની સાથે સિક્યૉરિટી ગાર્ડે કરેલા અત્યાચારની વાત કરી હતી.

mira road bhayander Crime News mumbai crime news coronavirus covid19