મુંબઈ: ડુપ્લિકેટ ચાવીથી ટૂ-વ્હીલર ચોરતી ગૅન્ગ પકડાઈ

22 November, 2020 10:05 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: ડુપ્લિકેટ ચાવીથી ટૂ-વ્હીલર ચોરતી ગૅન્ગ પકડાઈ

ધરપકડ કરાયેલા આરોપી સાથે ડીએન નગર પોલીસની ટીમ.

અંધેરી-વેસ્ટના ડીએન નગરમાં સ્કૂટીની ચોરી કરતી ટોળકીને ડીએન નગર પોલીસે ઝડપી લીધી છે. તેમની પાસેથી ૩ હોન્ડા ડીઓ, ૩ હોન્ડા અ.ક્ટિવ અને એક ચોરાયેલી રિક્ષા હસ્તગત કરાઈ છે.

સ્કૂટી ચોરીની ઘટનામાં વધારો થતાં ઍડિશનલ કમિશનર વેસ્ટ ઝોન સંદીપ કર્ણિક, ઝોન-૯ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અભિષેક ત્રિમુખે, અસિસ્ટન્ટ પોલીસ કમિશનર જ્યોત્સ્ના રાસમે એને રોકવા અને આરોપીઓને ઝડપી લેવા આદેશ આપ્યા હતા. એથી ડીએન નગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પરમેશ્વર ગણમેએ ખાસ ટીમ બનાવી હતી, જેમાં ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ મુળે અને ક્રાઇમ અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિકાસ પાટીલનો સમાવેશ હતો.

આ સંદર્ભે ખબરી નેટવર્કમાંથી માહિતી મેળવવામાં આવી હતી. એપીઆઇ વિકાસ પાટીલને ખબરીએ આપેલી માહિતીના આધારે ૧૮ નવેમ્બરે કેટલાક બાઇકચોર નવરંગ સિનેમા પાસે આવવાના હોવાની બાતમી મળી હતી. પોલીસે અહીં વૉચ ગોઠવી પચીસ વર્ષના જુબેર અબ્દુલ રહેમાન શેખ અને તેના પચીસ વર્ષના સાગરીત અય્યાઝ હારુન સૈય્યદને ઝડપી લીધા હતા, જ્યારે તેમનો અન્ય એક સાગરીત આકાશ નવનાથ પવારને બોરીવલી-વેસ્ટ લિન્ક રોડ પરની એક હૉસ્પિટલ પાસેથી ઝડપી લેવાયો હતો. આરોપીઓ પાસેથી ૩ હોન્ડા ડીઓ, ૩ હોન્ડા ઍક્ટિવા અને એક રિક્ષા હસ્તગત કરાયાં છે. આમ ડીએન નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાંચ અને વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો બાઇકચોરીનો એક કુલ મળીને ૬ કેસ ઉકેલાયા છે.

mumbai mumbai news Crime News mumbai crime news andheri