મીરા રોડમાં એક કલાકમાં બે વ્યક્તિએ લાખોના દાગીના ગુમાવ્યા

31 May, 2020 08:26 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મીરા રોડમાં એક કલાકમાં બે વ્યક્તિએ લાખોના દાગીના ગુમાવ્યા

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનના સમયમાં સવારે અને સાંજે દાગીના પહેરીને ઘરની બહાર નીકળવાનું જોખમી બની ગયું હોવાનું ગઈ કાલે મીરા રોડમાં જણાઈ આવ્યું હતું. એક ગુજરાતી વૃદ્ધા સહિત અન્ય એક વૃદ્ધે પહેરેલા સોનાના દાગીના આગળ જોખમ હોવાનું કહીને ઉતરાવ્યા બાદ એ લઈને પલાયન થઈ ગયા હોવાની બે ઘટના બની હતી. મહિલાએ ત્રણ લાખના, તો મૉર્નિંગ-વૉક પર નીકળેલા વૃદ્ધે દોઢ લાખ રૂપિયાના દાગીના ગુમાવ્યા હતા. નયાનગર પોલીસે આ બાબતની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. લૉકડાઉનના સમયમાં કામકાજ બંધ હોવાથી આવી ઘટનાઓમાં વધારો થવાની શક્યતા હોવાથી સોનાના દાગીના પહેરીને બહાર નીકળવાનું જોખમી છે.

મીરા રોડમાં આવેલા શાંતિનગરના સેક્ટર-૬માં રહેતાં ૭૦ વર્ષનાં પુષ્પા રસિકલાલ શાહ ગઈ કાલે સવારે ૭.૩૦ વાગ્યે તેમના ઘરેથી માત્ર બે જ મિનિટના અંતરે આવેલા શાંતિનગર જૈન દેરાસર જઈ રહ્યાં હતાં ત્યારે બે જણે તેમની પાસે આવીને એક મહિલાની લૂંટ થઈ હોવાનું કહીને તેમણે પહેરેલી સોનાની ચેઇન અને બંગડીઓ ઉતારવાનું કહ્યું હતું. આ દાગીના એક પૅકેટમાં વીંટાળીને પેલા માણસોએ એ પૅકેટ વૃદ્ધાને આપ્યું હતું. લૂંટારાઓએ એ પૅકેટ બદલી લીધું હતું અને બીજું પૅકેટ વૃદ્ધાને સોંપ્યું હતું જેમાં નકલી દાગીના હોવાનું જણાયું હતું.

પોલીસે જણાવ્યા મુજબ આવી જ રીતે શાંતિનગરના સેક્ટર-૯માં કાસાડેલા પાસે એક વૃદ્ધ ગળામાં સોનાની ચેઇન પહેરીને ફરવા નીકળ્યા હતા. તેમને બે જણે રોકીને લૉકડાઉન અને કરફ્યુમાં સોનાના દાગીના પહેરીને બહાર નીકળવાનું જોખમી હોવાનું કહ્યું હતું. તેમણે વૃદ્ધની ચેઇન કઢાવીને એક પૅકેટમાં મુકાવી દીધી હતી અને ચેઇન ભરેલું પૅકેટ પોતાની પાસે રાખીને ચાલાકીથી અન્ય પૅકેટ વૃદ્ધને આપીને ચાલ્યા ગયા હતા. વૃદ્ધે ત્યાર બાદ પૅકેટ ખોલતાં એમાંથી ચેઇનને બદલે માટી નીકળી હતી. પુષ્પા રસિકલાલ શાહના પુત્ર હિતેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૬ એપ્રિલે વરસી તપનાં પારણાં હોવાથી મમ્મી માટે અમે લૉકરમાંથી દાગીના લઈ આવ્યા હતા. લૉકડાઉનને કારણે લૉકર બંધ હોવાથી દાગીના મૂકવા જવાનું શક્ય ન બનતાં તેમણે પહેરી રાખ્યા હતા. માત્ર બે જ મિનિટમાં તેમણે કોઈ અજાણ્યા માણસના કહેવાથી કેવી રીતે દાગીના ઉતારી આપ્યા એ સમજાતું નથી. અમે નયાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે.’

નયાનગરના સિનિયર ઇન્સ્પેક્ટર કૈલાશ બર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગળ જોખમ હોવાનું કે લૂંટારા આવ્યા હોવાનું કહીને વૃદ્ધોએ પહેરેલા દાગીના પડાવવાની બે ઘટના ગઈ કાલે બની હતી. અમે આ બાબતની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.’

Crime News mumbai crime news mumbai crime branch mira road