મીરા રોડમાં રેમડેસિવિરના ઇન્જેક્શનનાં કાળાં બજાર કરનારાની ધરપકડ કરાઈ

11 July, 2020 11:44 AM IST  |  Mumbai | Mumbai correspondent

મીરા રોડમાં રેમડેસિવિરના ઇન્જેક્શનનાં કાળાં બજાર કરનારાની ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના દરદીઓની સારવારમાં વપરાતા રેમડેસિવિરના ઇન્જેક્શનનું બ્લૅક-માર્કેટિંગ કરવાના આરોપસર મીરા રોડ પોલીસે ગઈ કાલે બે જણની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ૪ ઇન્જેક્શન, એક સ્કૂટર જપ્ત કરાયાં હતાં. તેઓ ૫૪૦૦ રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન મુંબઈની એક મોટી હૉસ્પિટલમાંથી મેળવીને બજારમાં વીસ હજારમાં વેચતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

મીરા રોડ પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો કોરોનાની સારવારમાં ઉપયોગી એવા રેમડેસિવિરના ઇન્જેક્શનનું બ્લૅક-માર્કેટિંગ કરી રહ્યા છે. ગઈ કાલે પોલીસે બાતમીના આધારે એક સ્કૂટરને રોકીને તપાસ કરતાં એમાં બેઠેલા બે જણ પાસેથી આવાં ૪ ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. આરોપીઓ પાસે ઇન્જેક્શન વેચવા માટેની ડૉક્ટરની ચિઠ્ઠી ન હોવાથી તેઓ ગેરકાયદે એનું વેચાણ કરતા હોવાની શંકાને આધારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.

મીરા રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મુંબઈની એક જાણીતી હૉસ્પિટલમાંથી ડૉક્ટરની ચિઠ્ઠી વિના રામડેસિવિરનાં ઇન્જેક્શન લઈને મીરા રોડમાં કોઈકને માર્કેટ કરતાં ઘણી ઊંચી કિંમતે વેચવા જનારા બે જણની શંકાને આધારે પૂછપરછ કરી હતી. તેઓ યોગ્ય જવાબ ન આપી શકતાં તેમની તપાસમાં ચાર ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. પૂછપરછમાં તેઓ ૫૪૦૦ રૂપિયાની કિંમતનાં આ ઇન્જેક્શન વીસ હજાર રૂપિયામાં વેચવા માટે લાવ્યા હોવાનું જણાયું છે. તેમને આ ઇન્જેક્શન ક્યાંથી અને કોણે અપાવ્યાં હતાં અને તેઓ કોને વેચવાના હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ.’

mumbai mumbai news Crime News mumbai crime news mira road