મલાડમાં આઇપીએલમાં સટ્ટો રમાડતાં બે ગુજરાતી બુકી પકડાયા

27 October, 2020 11:23 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મલાડમાં આઇપીએલમાં સટ્ટો રમાડતાં બે ગુજરાતી બુકી પકડાયા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૦ની ટીમે મલાડ લિન્ક રોડ પર આવેલી સંપૂર્ણા હોટેલમાં છાપો મારી બે ગુજરાતી બુકીઓની ધરપકડ કરી તેમની પાસેથી મોબાઇલ, બનાવટી દસ્તાવેજોના આધારે મેળવાયેલું સિમ કાર્ડ અને ૧૨,૨૪૦ રૂપિયાની રોકડ સહિતની મતા જપ્ત કરી હતી.

દુબઈમાં રમાઈ રહેલી આઇપીએલની મૅચ પર બે બુકી સટ્ટો રમાડી રહ્યા હોવાની ખબરીએ આપેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૦ અધિકારીઓએ મલાડ-વેસ્ટ લિન્ક રોડ પર આવેલી સુવર્ણા હોટેલમાં શનિવારે રાતે છાપો મારી ૩૬ વર્ષના મયૂર કાંતિલાલ છેડા અને ૪૩ વર્ષના જતીન શાહને ઝડપી લીધા હતા. તેઓ સીમ કાર્ડની મદદથી મોબાઇલ પરથી જ admin.lotusbook247.com નામની વેબસાઇટ પર લૉગ ઈન કરી સટ્ટો લેતા હતા. તેમના મોબાઇલ, અન્ય કેટલાક દસ્તાવેજ અને ૧૨,૨૪૦ રૂપિયાની રોકડ પણ તેમણે જપ્ત કરી હતી. બન્ને આરોપીઓને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને ૨૮ ઑક્ટોબર સુધીની કસ્ટડી આપી હતી. પોલીસ કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવારનવાર નાના-મોટા બુકીઓ પર કાર્યવાહી કરાય છે, પણ આ ગોરખધંધા સાથે સંકળાયેલા મોટા મગરમચ્છ પર ભાગ્યે જ કાર્યવાહી કરાતી હોય છે. બીજું, નાના બુકીઓની ધરપકડ કરાયા બાદ તેઓ કોની સાથે ધંધો કરે છે અને તેમના કોની સાથે સંપર્ક છે એની તપાસ આગળ કેમ નથી વધતી એવો સવાલ ઊભો થાય છે.

mumbai mumbai news Crime News ipl 2020 malad