મુંબઈ : મીરા રોડમાં હોટેલની પાણીની ટાંકીમાંથી બે મૃતદેહ મળ્યા

06 June, 2020 08:21 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : મીરા રોડમાં હોટેલની પાણીની ટાંકીમાંથી બે મૃતદેહ મળ્યા

મીરા રોડના શીતલનગરમાં આવેલી શબરી હોટેલમાંથી મૃતદેહ બહાર કાઢતી પોલીસ.

મીરા રોડના શીતલનગરમાં આવેલી શબરી હોટેલની પાણીની ટાંકીમાંથી ગુરુવારે રાતે બે મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. કોરોનાને કારણે લૉકડાઉન હોવાથી હોટેલ બંધ છે ત્યારે એના મૅનેજર અને એક વેઇટર રહસ્યમય રીતે ગાયબ હતા. પોલીસને જાણ કરાયા બાદ તપાસ કરતાં હોટેલની અંદર આવેલી અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.

મીરા રોડ પોલીસને ગુરુવારે મીરા રોડના શીતલનગર વિસ્તારમાં આવેલી હોટેલ શબરીમાં રહેતા ૪૮ વર્ષના મૅનેજર હરીશ શેટ્ટી અને ૪૮ વર્ષના વેઇટર નરેશ પંડિત રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હોવાનો ફોન હોટેલમાલિકે કર્યો હતો.

મીરા રોડ પોલીસની ટીમે શબરી હોટેલ પહોંચીને તપાસ કરતાં હોટેલની અંદર બનાવાયેલી પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાંથી મૅનેજર અને વેઇટરના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે ફાયરબ્રિગેડની મદદથી બન્ને મૃતદેહને બહાર કાઢ્યા હતા. મૃતકોનાં શરીર પર ઈજાનાં નિશાન જોવા મળ્યાં હોવાથી તેમની હત્યા કરીને પાણીની ટાંકીમા ફેંકી દેવાયાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

મીરા રોડ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૦૨ અને ૨૦૧ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

થાણે ગ્રામીણ પોલીસના મીરા રોડ વિભાગના ડીવાયએસપી શાંતારામ વળવીએ જણાવ્યું કે ‘મૃતકોનાં માથાં અને શરીર પર ઈજાનાં નિશાન જોવા મળ્યાં છે એટલે તેમને મારીને ટાંકીમા ફેંકી દેવાયા હોવાની શંકા છે. મૃતદેહને પાણીની ટાંકીમાંથી બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવાયા છે. આ કામ જાણભેદુનું હોવાની શક્યતાના આધારે અમે શબરી હોટેલના સ્ટાફને પૂછપરછ માટે તાબામાં લીધા છે.’

mumbai mumbai news mira road coronavirus covid19 lockdown