દિવસે રેકી, રાત્રે ચોરી: વિરારમાં 25 લાખના દાગીના સાથે બેની અરેસ્ટ

12 October, 2020 07:52 AM IST  |  Mumbai | Mumbai Correspondent

દિવસે રેકી, રાત્રે ચોરી: વિરારમાં 25 લાખના દાગીના સાથે બેની અરેસ્ટ

વિરાર પોલીસે ચોરો પાસેથી જપ્ત કરેલા સોના-ચાંદીના ૧૪૭ તોલા દાગીના.

વિરાર-વેસ્ટમાં યશવંતનગર ખાતેની એક બંધ દુકાનમાંથી ૩૨ લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી થવાની ઘટના ૧ ઑક્ટોબરની રાત્રે બની હતી. વિરાર પોલીસની ટીમે આ મામલામાં અઠવાડિયાની અંદર બે આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી ૨૫ લાખ રૂપિયાના સોનાના દાગીના સહિત કૅશ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ દિવસે રેકી કરીને રાત્રે ચોરી કરતા હતા. તેમની સામે મુંબઈમાં પણ ચોરીના કેસ હોવાથી તેઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસની તપાસમાં જણાયું હતું.

વિરારના યશવંતનગરમાં આવેલી એક દાગીનાની દુકાનમાં ૧ ઑક્ટોબરની રાત્રે અજાણ્યા તસ્કરોએ શટર તોડીને અંદર રાખેલા ૩૨ લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના બની હતી. દુકાનદારે વિરાર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમ બનાવાઈ હતી.

પોલીસ શંકાસ્પદ આરોપીઓના મોબાઇલ નંબર તથા બાતમીદારોની માહિતીને આધારે તપાસ કરી રહી હતી ત્યારે એક આરોપીની કડી મળતાં તેને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી માહિતી મેળવીને તેના સાથીને પણ પોલીસે પકડી લીધો હતો. બન્ને આરોપી પાસેથી પોલીસે ૨૫ લાખ રૂપિયાના સોનાના દાગીનાની સાથે કૅશ જપ્ત કરી હતી.

મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના વિરાર ડિવિઝનનાં એસીપી રેણુકા બાગડેએ આ મામલે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે ચોરી કરવાના આરોપસર નાલાસોપારામાં રહેતા ઇબ્રાહિમ બદરુદ્દીન શેખ અને તેના સાથી છેદૂ ઉર્ફે સિદ્ધુ ભૈયાલાલ રાજપૂતની ધરપકડ કરી હતી. આરોપીઓ દિવસે રેકી કરીને રાત્રે બંધ દુકાન કે ઘરોમાં ચોરી કરતા હતા. ચોરી થવાના અઠવાડિયામાં આ કેસ ઉકેલાયો હતો.’

વિરાર પોલીસની ટીમે ચોરીનો આ કેસ કમિશનર સદાનંદ દાતે, ઍડિશનલ પોલીસ કમિશનર જયકુમાર, ડીસીપી સંજયકુમાર પાટીલના માર્ગદર્શનમાં ઉકેલ્યો હતો. નવું પોલીસ કમિશનરેટ બન્યા બાદ પહેલો આ મોટો કેસ ઉકેલાયો છે.

mumbai mumbai news virar Crime News mumbai crime news