ટીનેજરની હત્યાના પ્રયાસમા તેના જ પેરન્ટ્સ સહિત પરિવારના 3 સભ્યોની ધરપકડ

04 November, 2020 08:08 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ટીનેજરની હત્યાના પ્રયાસમા તેના જ પેરન્ટ્સ સહિત પરિવારના 3 સભ્યોની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

માતા, પિતા અને ભાઈ એમ એક પરિવારના ત્રણ સભ્યોની રવિવારે એક બીચ પર પોતાની જ ૧૯ વર્ષની દીકરીની હત્યા કરવાનો પ્રયાસ કરવાના અને તેનું મૃત્યુ થયાનું મનાવવાના આરોપસર વસઈ ગામ પોલીસે ધરપકડ કરી હોવાનો આઘાતજન્ય બનાવ સામે આવ્યો છે. તેમણે ટીનેજરને ગળું દબાવીને ઝાડીમાં ફેંકી દીધી હતી, પરંતુ ટીનેજર માત્ર બેભાન હતી અને તે હોશમાં આવીને રડવા લાગી હોવાથી એક સ્થાનિકે તેને જોતાં તેણે પોલીસને જાણ કરી હતી. ટીનેજરને વસઈ-વિરાર મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ટીનેજરને બીજા ધર્મના છોકરા સાથે પ્રેમ હતો, જેનો તેના પરિવારે વિરોધ કર્યો હતો. તેથી તેમણે તેને મારવાનો નિર્ણય લીધો હતો.

વસઈ ગામ પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પરદના જણાવ્યા પ્રમાણે ‘ટીનેજર કૉલેજના બીજા ધર્મના છોકરા સાથે પ્રેમ કરતી હતી, પરંતુ તેના પંચાવન વર્ષના પિતા વિનોદ કશ્યપ, પચાસ વર્ષની મમ્મી રેણુકા અને ૨૫ વર્ષનો ભાઈ વિનોદ એ છોકરો બીજા ધર્મનો હોવાથી તેનો વિરોધ કરી રહ્યા હતાં. તેમ જ કુટુંબમાં બીજી બે છોકરીઓ પણ હોવાથી તેમનાં લગ્ન જોખમમાં મુકાશે એવી તેમને ફિકર હતી. એથી ત્રણેયે છોકરીને તેના પ્રેમી સાથે લગ્ન ન કરવાનું સમજાવી, પરંતુ ટીનેજર નહોતી માની અને તેની સાથે જ લગ્ન કરવા ઇચ્છતી હતી.’

એથી ટીનેજરના પરિવારના ત્રણેય જણે તેમની પોતાની જ દીકરીની હત્યા કરવાનો નિર્ણય લીધો હતો. રવિવારે તેઓ દીકરીને વસઈના જાણીતા સુરુચિબાગ બીચ પર લટાર મારવા લઈ ગયાં હતાં. ત્યાં પણ તેને છેલ્લી વખત મનાવવાનો પ્રયત્ન કરાયો હતો. ત્યાર બાદ તેમણે ટીનેજરની જ ઓઢણી લઈને તેનું ગળું દબાવ્યું હતું. ત્યાર બાદ તે મરી ગઈ હોવાનું વિચારીને તેમણે ટીનેજરને ઝાડીમાં ફેંકી દીધી અને જાણે કંઈ થયું જ ન હોય એમ ઘરે પાછાં આવી ગયાં હતાં. જોકે સોમવારે છોકરી ભાનમાં આવીને રડવા લાગી હતી. એ વખતે બીચ પાસે ટૉઇલેટ કરવા આવેલા એક સ્થાનિકે તેનો અવાજ સાંભળ્યો હતો. તેણે પોલીસને જાણ કરી અને પોલીસે ત્યાં પહોંચીને તેને હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેણે પોલીસને આખી વાત કરી હતી. પોલીસે આઇપીસીની કલમ ૩૦૭, ૩૨૫ હેઠળ કેસ નોંધીને વસઈ કોર્ટમાં રજૂ કરતાં ત્રણેયને પાંચ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો છે અને પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે.

mumbai mumbai news Crime News mumbai crime news vasai