મુંબઈ : ગુજરાતી સિનિયર સિટિઝનના ઘરે નોકરાણીએ કરી હાથસફાઈ

29 November, 2020 10:43 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : ગુજરાતી સિનિયર સિટિઝનના ઘરે નોકરાણીએ કરી હાથસફાઈ

કાંદિવલીના ગુજરાતી સિનિયર સિટિઝનના ઘરમાંથી હાથફેરો કરવાના આરોપસર પકડાયેલી આરોપી.

કાંદિવલીમાં રહેતા ગુજરાતી સિનિયર સિટિઝનના ઘરે ઘરકામ કરવાનો ઢોંગ કરી ૩૭ વર્ષની એક મહિલા તેમના ઘરમાંના દાગીના લઈને નાસી ગઈ હતી જેની ફરિયાદ સિનિયર સિટિઝને કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તપાસ હાથ ધરતતાં કાંદિવલી પોલીસે મહિલાની ધરપકડ કરી દાગીના હસ્તગત કર્યા છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર કાંદિવલી-વેસ્ટમાં એક હાઇરાઇઝ બ‌િલ્ડિંગમાં રહેતા દેવચંદ પટેલ અને મણિબહેન પટેલ સિનિયર સિટિઝન હોવાથી તેઓએ ઑક્ટોબર મહિનામાં ઘરકામ માટે એક નોકરાણી રાખી હતી જેણે બે મહિના કામ કરી અચાનક કામ છોડી દીધું હતું. ત્યાર બાદ મણિબહેનને માલૂમ થયું હતું કે કબાટમાં રાખેલી આઠ તોલાની બંગડી ચોરાઈ છે જેની ફરિયાદ તેઓએ કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં કરી હતી.

કાંદિવલી પોલીસે સોસાયટીના તમામ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં પણ કોઈ અજ્ઞાત યુવક તેઓના ઘરમાં આવતો જોવા મળ્યો નહોતો. તપાસની દિશા બદલી કરી તેઓના ઘરમાં કામ કરવા આવતી ૩૭ વર્ષની સંગીતા નાગપીની તપાસ હાથ ધરી હતી. જેના જૂના રેકૉર્ડ તપાસતાં તે પહેલાં પણ આવા ચોરીના ગુનામાં આરોપી હોવાનું સામે આવ્યું હતું. તેની ધરપકડ કરી તેની પાસેથી તમામ ચોરાયેલી બંગડી મળી આવી હતી.

કાંદિવલી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી સૂર્યકાંત પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા પર આ પહેલાં અંધેરી અને દહિસર જેવા વિસ્તારોમાં ચોરી કરવાની ફરિયાદ દાખલ છે. તેની મૉડસ ઑપરેન્ડી એવી હતી કે તે સિનિયર સિટિઝનનું ઘર શોધીને કામ માગવા જતી હતી. બાદમાં સિનિયર સિટિઝનનો વિશ્વાસ જીતી તેઓના ઘરમાંના દાગીના અને રોકડની ચોરી કરતી હતી.

mumbai mumbai news Crime News mumbai crime news kandivli