સાવકા ભાઈનુ મર્ડર કરી બૉડી ખાડીમાં ફેંકી ને મિસિંગ થયાની ફરિયાદ નોંધાવી

29 September, 2020 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાવકા ભાઈનુ મર્ડર કરી બૉડી ખાડીમાં ફેંકી ને મિસિંગ થયાની ફરિયાદ નોંધાવી

આરોપી પાસેથી કાસારવડવલી પોલીસે ૩ કિલો ૭૦૦ ગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા હતા.

થાણેના કાસારવડવલી વિસ્તારમાં ૩૫ વર્ષના એક યુવકની હત્યા કરવાના આરોપસર પોલીસે મૃતકના સાવકા ભાઈ અને તેના મિત્રની રવિવારે ધરપકડ કરી હતી. ભાઈની મિલકત મેળવવા માટે હત્યા કરીને તેના મૃતદેહને ખાડીમાં ફેંકી દીધા બાદ તે ખોવાઈ ગયો હોવાનું નાટક આરોપીએ કર્યું હતું.

થાણેના કાસારવડવલી વિસ્તારમાં વાઘબીળ ગામમાં રહેતો ૩૫ વર્ષનો રાકેશ માણિક પાટીલ ૨૦ સપ્ટેમ્બરે ઘરેથી સ્કૂટર પર ગયા બાદથી પત્તો ન લાગતાં તેના પિતાએ કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ રાકેશના પિતા ૧૫થી ૨૦ સપ્ટેમ્બર દરમ્યાન હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા. ઘરે આવ્યા બાદ તેમણે પોતાના બેડરૂમની તિજોરી તૂટેલી અને એમાં રાખેલા દાગીના ગાયબ હોવાનું જોયું હતું. આથી અચાનક ગાયબ થઈ ગયેલા રાકેશનું આ કામ હોવાની શંકા તેમને થઈ હતી. આથી તેમણે ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

કાસારવડવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિશોર ખૈરનારના માર્ગદર્શનમાં વિવિધ ટીમો બનાવીને મામલાની તપાસ હાથ ધરાઈ હતી. ગાયબ થનારા રાકેશના ઍક્ટિવાના નંબરને આધારે બાતમીદારોની મદદથી આરોપીઓની માહિતી મેળવવામાં આવી હતી અને આઝાદનગરમાં રહેતા ગૌરવ સિંહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે ૨૦ સપ્ટેમ્બરની રાત્રે રાકેશને ચિક્કાર દારૂ પીવડાવીને તેના સાવકા ભાઈ સચિન પાટીલ અને પોતે પ્લાન કરીને ઘરમાં સૂવડાવ્યો હતો. બાદમાં દેશી પિસ્તોલથી સચિને રાકેશના માથામાં ગોળી મારીને તેની હત્યા કરી હતી. પછી ચાદરમાં લપેટીને રાકેશના મૃતદેહને સોફાના કવરમાં બાંધીને રાકેશની કારની ડિકીમાં મૂક્યો હતો. બાદમાં વાશી ખાડીમાં પુલ પરથી મૃતદેહને ફેંકી દીધો હતો.

પોલીસે આપેલી માહિતી મુજબ પોતાની સામે રાકેશની હત્યાનો ગુનો નોંધાયો હોવાથી સચિન પાટીલ ફરાર થઈ ગયો હતો. તેણે પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હોવાથી પોલીસ તેનો પત્તો નહોતો મેળવી શકતી. જોકે ૨૬ સપ્ટેમ્બરે પોલીસને બાતમી મળી હતી કે સચિન નવી મુંબઈમાં ઉલવે ખાતે આવવાનો છે. પોલીસે આ સ્થળે છટકું ગોઠવીને સચિનની ધરપકડ કરી હતી.

બન્ને આરોપીની પૂછપરછ પરથી જણાઈ આવ્યું હતું કે સચિન પાટીલ સાવકા ભાઈ રાકેશની મિલકત મેળવવા માગતો હોવાથી તેણે તેના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરીને તિજોરીમાંથી ૩ કિલો ૭૦૦ ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી હતી. રાકેશની હત્યા કરીને ખાડીમાં ફેંકી દીધો હોવાથી આ ચોરી તેણે જ કરી હોવાનો સચિને સીન ઊભો કર્યો હતો. તેણે ગૌરવ સિંહને આ કામ કરવા માટે બે લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીનાની સાથે એક દેશી પિસ્તોલ, ૧ જીવંત કારતૂસ અને સ્કૂટર જપ્ત કર્યાં હતાં.

Crime News mumbai crime news thane thane crime